ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના વનડે કરિયરને લઈને ચર્ચાઓ તેજ બની છે. તાજેતરના અહેવાલો અનુસાર ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ હવે 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓ પર વધુ ભરોસો મૂકી રહ્યા છે. આવી સ્થિતિમાં જાડેજાને ફરી વનડે ટીમમાં તક મળવાની સંભાવના ખૂબ જ ઓછી માનવામાં આવી રહી છે. જોકે, બીસીસીઆઈ અથવા જાડેજાએ સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી નથી.
રિપોર્ટ્સ મુજબ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં પણ જાડેજાને સ્થાન મળ્યું નહોતું. તેની જગ્યાએ અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર જેવા યુવા ઓલરાઉન્ડરોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અક્ષર પટેલના સતત સારા પ્રદર્શન બાદ ટીમ મેનેજમેન્ટનું ધ્યાન ભવિષ્યની ટીમ તૈયાર કરવા પર કેન્દ્રિત હોવાનું માનવામાં આવે છે.
રવિન્દ્ર જાડેજાએ ભારત માટે વર્ષો સુધી શાનદાર યોગદાન આપ્યું છે. તેની ડાબોડી સ્પિન, ઉપયોગી બેટિંગ અને અદ્ભુત ફિલ્ડિંગના કારણે તેઓ લાંબા સમય સુધી ટીમના સૌથી વિશ્વસનીય ઓલરાઉન્ડરોમાં સામેલ રહ્યા છે. તેણે ભારતને અનેક યાદગાર જીત અપાવી છે અને મોટા ટૂર્નામેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી વનડેમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. આ સાથે યુવા ખેલાડીઓના ઉદયને કારણે તેના માટે ટીમમાં સ્થાન મેળવવું વધુ મુશ્કેલ બન્યું છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો પસંદગી સમિતિ વર્તમાન દિશામાં આગળ વધશે તો જાડેજાનું છેલ્લું વનડે મેચ જ તેનું અંતિમ આંતરરાષ્ટ્રીય વનડે સાબિત થઈ શકે છે અને તેમને વિદાય મેચ રમવાની તક પણ નહીં મળે.
જાડેજાએ અગાઉ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેઓ હજુ પણ મહત્વના ખેલાડી માનવામાં આવે છે. હાલ સત્તાવાર રીતે તેના વનડે નિવૃત્તિ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટીમ ઈન્ડિયાની બદલાતી યોજનાઓને જોતા તેના વનડે ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

