OFF-FIELD

ત્રીજી ભારત-ઈંગ્લેન્ડ T20 પહેલાં ક્રિકેટ જગતમાં શોકની લાગણી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ પહેલાં સમગ્ર ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શાપુર ઝદરાનનું 38 વર્ષની વયે નિધન થયું છે. તેઓ પોતાના 39મા જન્મદિવસના માત્ર એક દિવસ પહેલાં દુનિયાને અલવિદા કહી ગયા. તેના અચાનક અવસાનથી ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

અહેવાલો અનુસાર શાપુર ઝદરાન છેલ્લા કેટલાક સમયથી હેમોફેગોસાઇટિક લિમ્ફોહિસ્ટિયોસાઇટોસિસ (HLH) નામની અત્યંત દુર્લભ અને ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. સારવાર માટે તેઓ ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં તેનું જીવન બચાવી શકાયું નહીં.

શાપુર ઝદરાન અફઘાનિસ્તાન ક્રિકેટના શરૂઆતના સુવર્ણ યુગના મહત્વના ખેલાડીઓમાં ગણાતા હતા. પોતાની ઝડપી બોલિંગ અને આક્રમક અંદાજના કારણે તેણે અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓળખ અપાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેની બોલિંગના દમ પર અફઘાનિસ્તાને અનેક યાદગાર જીત મેળવી હતી અને વિશ્વ ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી.

તેના નિધનના સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ, પૂર્વ ખેલાડીઓ અને ચાહકોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. દરેકે શાપુર ઝદરાનના યોગદાનને યાદ કરીને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ માટે આ એક એવી ખોટ છે જેને લાંબા સમય સુધી ભૂલી શકાશે નહીં.

એક તરફ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની રોમાંચક ટી-20 શ્રેણીનો માહોલ છે, ત્યારે બીજી તરફ શાપુર ઝદરાનના અવસાનના સમાચારથી સમગ્ર ક્રિકેટ વિશ્વ શોકમાં ડૂબી ગયું છે. તેની યાદો અને અફઘાનિસ્તાન ક્રિકેટ માટેનું યોગદાન હંમેશા ચાહકોના દિલમાં જીવંત રહેશે.

Exit mobile version