ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરે 10 જુલાઈએ પોતાનો 77મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસરે ક્રિકેટ જગતની અનેક હસ્તીઓએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી, પરંતુ પૂર્વ ભારતીય વિસ્ફોટક ઓપનર સેહવાગની પોસ્ટે ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું. સેહવાગે સોશિયલ મીડિયા પર ગાવસ્કર માટે લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે ‘લિટલ માસ્ટર’ના અદમ્ય સાહસ અને ક્રિકેટમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું.
સેહવાગે લખ્યું કે સુનીલ ગાવસ્કર એવા યુગમાં બેટિંગ કરતા હતા, જ્યારે હેલ્મેટનો ઉપયોગ સામાન્ય નહોતો. તેમ છતાં તેઓ ડેનિસ લિલી, એન્ડી રોબર્ટ્સ, માઈકલ હોલ્ડિંગ, જોએલ ગાર્નર અને મેલ્કમ માર્શલ જેવા વિશ્વના સૌથી ખતરનાક ઝડપી બોલરોનો નિર્ભયતાથી સામનો કરતા હતા. તેણે ઉમેર્યું કે આજના સમયમાં ખેલાડીઓ નેટ્સમાં બોલિંગ મશીન સામે પ્રેક્ટિસ કરતી વખતે પણ હેલ્મેટને ડબલ સ્ટ્રેપથી બાંધી રાખે છે, જ્યારે ગાવસ્કરે નિર્ભયતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સેહવાગે પોતાની પોસ્ટમાં ગાવસ્કરની સરખામણી હિન્દી ફિલ્મ ‘શોલે’ સાથે કરતા લખ્યું કે, “જો ક્રિકેટ એક ફિલ્મ હોત, તો સુનીલ ગાવસ્કર ‘શોલે’ હોત. હેપ્પી બર્થડે સની ભાઈ. તમે માત્ર રન જ બનાવ્યા નથી, પરંતુ આખી પેઢીને શીખવ્યું કે ડર વગર પણ સફળતા મેળવી શકાય છે.” આ સંદેશે સોશિયલ મીડિયા પર ચાહકોનું દિલ જીતી લીધું.
સુનીલ ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પાર કરનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન હતા. તેમણે 1971થી 1987 દરમિયાન ભારત માટે 125 ટેસ્ટમાં 10,122 રન અને 34 સદી નોંધાવી હતી. ઉપરાંત 108 વન-ડેમાં 3,092 રન બનાવ્યા હતા. ગાવસ્કરને ભારતીય ક્રિકેટના સૌથી મહાન ઓપનરોમાં સ્થાન આપવામાં આવે છે અને સચિન તેંડુલકર સહિત અનેક ક્રિકેટરો તેમને પોતાની પ્રેરણા માને છે.
