OTHER LEAGUES

એક જ મેચમાં 6 વિકેટ

ભારતીય ક્રિકેટ ટીમમાંથી લાંબા સમયથી બહાર રહેલા લેગ સ્પિનર રાહુલ ચહરે ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. સરે તરફથી રમતા ચહરે એસેક્સ સામે કાઉન્ટી ચેમ્પિયનશિપની મેચમાં છ વિકેટ ઝડપી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ચેલ્મ્સફોર્ડમાં રમાઈ રહેલી આ મેચમાં સરેની પ્રથમ ઇનિંગ્સ માત્ર 183 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ એસેક્સ બેટિંગ કરવા ઉતર્યું ત્યારે રાહુલ ચહરે પોતાની લેગ સ્પિનનો જાદુ ચલાવ્યો. તેણે કુલ 22 ઓવરમાં 80 રન આપીને 6 વિકેટ ઝડપી. ચહરની આ બોલિંગના કારણે એસેક્સની ટીમ 279 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને તેની મોટી લીડ બનતી અટકી ગઈ.

ચહરે ચાર્લી એલિસનને આઉટ કરીને વિકેટનો સિલસિલો શરૂ કર્યો હતો. ત્યારબાદ તેણે માઈકલ પેપર, ઝમાન અખ્તર, સાઈમન હાર્મર, જેમી પોર્ટર અને સેમ કૂકને પણ પેવેલિયન મોકલ્યા. આ સાથે તેણે પોતાની કારકિર્દીની નવમી ફર્સ્ટ-ક્લાસ પાંચ વિકેટની સિદ્ધિ પણ નોંધાવી.

જોકે ચહરના શાનદાર પ્રદર્શન છતાં સરે માટે મેચ સરળ રહી નથી. એસેક્સના અનુભવી બેટર અને પૂર્વ દક્ષિણ આફ્રિકન કેપ્ટન ડીન એલ્ગરે 113 રનની શાનદાર ઇનિંગ્સ રમી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જવાબમાં સરે બીજી ઇનિંગ્સમાં પણ મુશ્કેલીમાં જોવા મળી અને 51 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

રાહુલ ચહર છેલ્લે ભારત માટે 2021માં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રમ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં તેને મુશ્કેલી પડી છે. જોકે કાઉન્ટી ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનથી તેણે પસંદગીકારોનું ધ્યાન ફરી પોતાની તરફ ખેંચ્યું છે.

આ સાથે ભારતીય સ્પિનરોનો કાઉન્ટી ક્રિકેટમાં દબદબો પણ જોવા મળ્યો છે. આર. સાઈ કિશોર અને યુઝવેન્દ્ર ચહલે પણ વિકેટ ઝડપી છે.

Exit mobile version