ભારતીય લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલ હાલમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં પોતાની બોલિંગથી ધૂમ મચાવી રહ્યા છે. જોકે, લૅન્કેશાયર સામેની મેચમાં ચહલ પોતાની વિકેટ કરતાં પણ એક ખાસ સેલિબ્રેશનને કારણે ચર્ચામાં આવી ગયા છે. તેણે દિલ્હી પ્રીમિયર લીગની મહિલા ક્રિકેટર મેધાવી બિધૂડીના વાયરલ થયેલા ‘6-7’ સેલિબ્રેશનની નકલ કરી અને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે.
નૉર્થમ્પ્ટનશાયર તરફથી રમતા ચહલે મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે લૅન્કેશાયર સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે લૅન્કેશાયરના બેટર જો મૂર્સને ક્લીન બોલ્ડ કર્યો. વિકેટ લીધા બાદ ચહલે મેધાવી બિધૂડીના વાયરલ ‘6-7’ હાવભાવ સાથે ઉજવણી કરી હતી. ત્યારબાદ તેણે પોતાના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જેમાં મેધાવીના મૂળ સેલિબ્રેશનનો વીડિયો પણ જોડવામાં આવ્યો હતો.
મેધાવી બિધૂડીનું આ સેલિબ્રેશન તાજેતરમાં વિમેન્સ દિલ્હી પ્રીમિયર લીગમાં વાયરલ થયું હતું. 20 ઓગસ્ટે સેન્ટ્રલ દિલ્હી ક્વીન્સ તરફથી રમતી વખતે વિકેટ લીધા બાદ તેણે આ અનોખો હાવભાવ કર્યો હતો. ‘6-7’ સેલિબ્રેશન પાછળ તેની જર્સી નંબરની પણ રસપ્રદ કહાની છે. મેધાવી પહેલાં 12 નંબરની જર્સી લેવા માંગતી હતી, પરંતુ નંબર ઉપલબ્ધ ન હોવાથી તેની નાની બહેને તેને 67 નંબર પસંદ કરવાની સલાહ આપી હતી. ત્યારથી ‘6-7’ તેમની ખાસ ઉજવણી બની ગઈ.
ચહલની આ મસ્તીભરી ઉજવણી સાથે તેની બોલિંગ પણ શાનદાર રહી. લૅન્કેશાયર સામે તેણે ત્રણ વિકેટ ઝડપી અને નૉર્થમ્પ્ટનશાયરે મેચમાં 316 રનથી મોટી જીત મેળવી. આ જીત સાથે ‘6-7’ સેલિબ્રેશન પણ ઈંગ્લેન્ડ સુધી પહોંચી ગયું છે.
ચહલનો આ વીડિયો હવે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને મેધાવી બિધૂડીનું વાયરલ સેલિબ્રેશન વધુ એક વખત સોશિયલ મીડિયા પર છવાયું છે.
6 7 🤙 pic.twitter.com/22Fk70eRLy
— Yuzvendra Chahal (@yuzi_chahal) August 23, 2026

