OTHER LEAGUES

દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી

ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર ફરી એકવાર ક્રિકેટ નહીં પરંતુ કાનૂની કારણોસર ચર્ચામાં આવ્યા છે. દારૂના નશામાં કાર ચલાવવાના કેસમાં વોર્નરે કોર્ટ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે, કારણ કે વોર્નર જેવા અનુભવી અને લોકપ્રિય ખેલાડીનું નામ આવા કેસમાં સામે આવવું ચોંકાવનારું માનવામાં આવી રહ્યું છે.

અહેવાલો અનુસાર, પોલીસે નિયમિત ચેકિંગ દરમિયાન વોર્નરને રોક્યા હતા. બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં તેમના શરીરમાં કાયદાકીય મર્યાદાથી વધુ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધાયો હતો. કેસની સુનાવણી દરમિયાન વોર્નરે પોતાનો ગુનો સ્વીકારી લીધો, જેના કારણે હવે કોર્ટ તેના માટે યોગ્ય સજા નક્કી કરશે.

વોર્નરના ગુનો સ્વીકારવાથી લાંબી કાનૂની પ્રક્રિયા ટળી શકે છે, પરંતુ તેને દંડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થવું અથવા સ્થાનિક કાયદા મુજબ અન્ય સજા ભોગવવી પડી શકે છે. જોકે, કોર્ટનો અંતિમ નિર્ણય હજુ જાહેર કરવામાં આવ્યો નથી.

ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયન ક્રિકેટના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક રહ્યા છે. ટેસ્ટ, વનડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં તેણે અનેક યાદગાર ઇનિંગ્સ રમી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તેઓ વિશ્વભરની વિવિધ ટી-20 લીગમાં રમતા રહ્યા છે અને તેની લોકપ્રિયતા યથાવત છે.

આ ઘટનાએ ખેલાડીઓની સામાજિક જવાબદારી અંગે ફરી ચર્ચા શરૂ કરી છે. ચાહકોનું માનવું છે કે લોકપ્રિય ખેલાડીઓએ મેદાનની બહાર પણ જવાબદારીપૂર્વક વર્તન કરવું જોઈએ, કારણ કે લાખો યુવાનો તેમને પોતાના આદર્શ તરીકે જુએ છે. હવે સૌની નજર કોર્ટના અંતિમ નિર્ણય પર છે કે ડેવિડ વોર્નરને આ કેસમાં શું સજા ફટકારવામાં આવે છે.

Exit mobile version