OTHER LEAGUES

માત્ર 7 બોલમાં છોડ્યા 4 કેચ

લંકા પ્રીમિયર લીગ (LPL) 2026માં ગોલે ગેલન્ટ્સ અને જાફના કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ક્રિકેટપ્રેમીઓને એક અનોખું અને શરમજનક દ્રશ્ય જોવા મળ્યું. જાફના કિંગ્સના ફિલ્ડરોએ માત્ર 7 બોલના અંતરમાં ચાર સરળ કેચ છોડ્યા, જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ફિલ્ડિંગની ભારે ટીકા થઈ રહી છે.

મેચમાં ગોલે ગેલન્ટ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 193 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો. જોકે, એક સમયે જાફના કિંગ્સ પાસે ગોલેના બેટરોને વહેલા આઉટ કરવાની તક હતી, પરંતુ સતત ચાર કેચ છૂટી જતા ગોલેની ટીમને મોટી ભાગીદારી બનાવવાની તક મળી. આ જીવતદાનનો ગોલેના બેટરોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ટીમને પડકારજનક સ્કોર સુધી પહોંચાડી.

જવાબમાં 194 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી જાફના કિંગ્સની શરૂઆત જ ખરાબ રહી હતી. ટીમે શરૂઆતની ઓવરોમાં જ સતત વિકેટો ગુમાવી દીધી અને દબાણમાંથી બહાર આવી શકી નહીં. મધ્યક્રમમાં થોડો સંઘર્ષ જોવા મળ્યો, પરંતુ ગોલેના બોલરોની શાનદાર બોલિંગ સામે જાફનાની આખી ટીમ 133 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ગોલે ગેલન્ટ્સે આ મુકાબલો 60 રનના વિશાળ અંતરે જીતી લીધો. બોલિંગમાં થરિંદુ રત્નાયકે અને ઈશાન મલિંગાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. મેચ બાદ ગોલેના ખેલાડીઓએ પણ સ્વીકાર્યું કે વિરોધી ટીમ દ્વારા છોડાયેલા ચાર કેચ તેમની ઇનિંગ્સ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર જાફના કિંગ્સની ફિલ્ડિંગને લઈને અનેક મીમ્સ અને પ્રતિક્રિયાઓ વાયરલ થઈ રહી છે. ક્રિકેટ નિષ્ણાતોનું પણ માનવું છે કે T20 જેવી ઝડપી રમતામાં આવી સરળ ભૂલો મેચનું પરિણામ સંપૂર્ણપણે બદલી શકે છે.

Exit mobile version