OTHER LEAGUES

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો પર 2 વર્ષના પ્રતિબંધની તલવાર લટકી

પાકિસ્તાનના ઘણા પૂર્વ ક્રિકેટરો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઝામ્બિયામાં યોજાઈ રહેલી એશિયન લેજેન્ડ્સ લીગ 2026માં જરૂરી મંજૂરી અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વિના ભાગ લેવાના મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા પૂર્વ ખેલાડીઓ પર બે વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

ઝામ્બિયા ક્રિકેટ યુનિયન (ZCU)એ તાજેતરમાં જાહેર કર્યું હતું કે એશિયન લેજેન્ડ્સ લીગને તેની તરફથી કોઈ સત્તાવાર માન્યતા આપવામાં આવી નથી. આ પછી PCB હરકતમાં આવ્યું અને જણાવ્યું કે ICC તથા PCBની મંજૂરી વિના કોઈપણ વિદેશી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવો નિયમોનો ભંગ ગણાશે. બોર્ડે કહ્યું કે જે ખેલાડીઓએ જરૂરી NOC લીધા વિના આ લીગમાં ભાગ લીધો છે, તેને આગામી બે વર્ષ સુધી કોઈપણ માન્ય વિદેશી ક્રિકેટ લીગ માટે NOC આપવામાં નહીં આવે.

આ ઉપરાંત આવા ખેલાડીઓ બે વર્ષ સુધી PCB, પાકિસ્તાન સુપર લીગ (PSL) અથવા બોર્ડ સાથે જોડાયેલી કોચિંગ, મેન્ટરિંગ, કન્સલ્ટન્સી અને અન્ય ક્રિકેટ સંબંધિત હોદ્દા માટે પણ અયોગ્ય ગણાશે.

અહેવાલો મુજબ એશિયન લેજેન્ડ્સ લીગમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં પાકિસ્તાન પેન્થર્સ, ઇન્ડિયન રોયલ્સ, શ્રીલંકન લાયન્સ, બાંગ્લાદેશ ટાઇગર્સ, અફઘાનિસ્તાન પઠાણ્સ અને એશિયન સ્ટાર્સનો સમાવેશ થાય છે. પાકિસ્તાન પેન્થર્સની ટીમમાં શોએબ મલિક, કામરાન અકમલ, મોહમ્મદ હફીઝ, ઉમર અકમલ, શર્જીલ ખાન, સઈદ અજમલ, સોહેલ તનવીર, યાસિર શાહ, મોહમ્મદ ઇરફાન અને અન્ય પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ છે.

અહેવાલ મુજબ મોહમ્મદ હફીઝ, સોહેલ તનવીર અને ઉમર અકમલે ટૂર્નામેન્ટને ICCની જરૂરી મંજૂરી ન મળ્યાની માહિતી મળ્યા બાદ રમવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. જોકે, ઘણા અન્ય પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો પહેલેથી જ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. તાજેતરમાં પાકિસ્તાન પેન્થર્સને ઇન્ડિયન રોયલ્સ સામે બે વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

PCBએ ફરી એકવાર તમામ વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોને ચેતવણી આપી છે કે કોઈપણ વિદેશી ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેતા પહેલાં બોર્ડની મંજૂરી અને NOC મેળવવું ફરજિયાત છે. હવે સૌની નજર PCBના અંતિમ નિર્ણય પર ટકેલી છે.

Exit mobile version