દુલિપ ટ્રોફી 2026ની શરૂઆત જોરદાર પ્રદર્શન સાથે થઈ છે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે ઈસ્ટ ઝોનના સુદીપ ઘરામી અને શાહબાઝ અહેમદે શાનદાર સદી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. બીજી તરફ, યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશન જેવા ખેલાડીઓનું બેટિંગ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
ઈસ્ટ ઝોન અને નોર્થ ઈસ્ટ ઝોન વચ્ચેની મેચમાં નોર્થ ઈસ્ટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈસ્ટ ઝોનની શરૂઆત ખરાબ રહી હતી. વૈભવ સૂર્યવંશી માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ અભિમન્યુ ઈશ્વરન પણ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. જોકે,સુદીપ ઘરામીએ શાનદાર બેટિંગ કરીને ટીમને સંકટમાંથી બહાર કાઢી. તેણે 146 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 25 ચોગ્ગા સામેલ હતા.
ઘરામી બાદ શાહબાઝ અહેમદે મોરચો સંભાળ્યો. તેમણે આક્રમક અને આત્મવિશ્વાસભરી બેટિંગ સાથે અણનમ સદી ફટકારી. દિવસના અંતે ઈસ્ટ ઝોનનો સ્કોર 355 રન પર 6 વિકેટ હતો અને શાહબાઝ 100 રને અણનમ રહ્યા હતા. ઘરામી અને શાહબાઝ વચ્ચેની ભાગીદારીએ ઈસ્ટ ઝોનને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.
બીજી તરફ, નોર્થ ઝોન સામે વેસ્ટ ઝોનના બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. તનુષ કોટિયાને ચાર વિકેટ ઝડપી, જ્યારે તુષાર દેશપાંડેએ પણ ચાર વિકેટ લઈને નોર્થ ઝોનને માત્ર 251 રનમાં સમેટી દીધું. નોર્થ ઝોન તરફથી અંશુલ કંબોજે 60 અને આયુષ બદોનીએ 51 રન બનાવ્યા હતા.
આ રીતે દુલિપ ટ્રોફીના પ્રથમ દિવસે ઘરામી અને શાહબાઝની સદીઓ તથા કોટિયાન-દેશપાંડેની ઘાતક બોલિંગે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

