OTHER LEAGUES

ફાઇનલમાં ખેલાડીઓ વચ્ચે થયો ઝઘડો

ટી20 મુંબઈ લીગ 2026ની ફાઇનલ મેચ દરમિયાન મેદાન પર હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આર્ક્સ અંધેરી અને એમએસસી મરાઠા રોયલ્સ વચ્ચેની ખિતાબી ટક્કરમાં બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મેચની બીજી ઇનિંગની 19મી ઓવરમાં આ ઘટના બની હતી. અંધેરીની ટીમને જીત માટે ઝડપી રનની જરૂર હતી ત્યારે બેટ્સમેન ગૌરવ જઠારે ઇરફાન ઉમૈરની બોલિંગ પર શાનદાર સિક્સર ફટકારી હતી. જોકે, આગામી જ બોલ પર તેઓ એલબીડબ્લ્યુ આઉટ થયા હતા. આઉટ થયા બાદ ગૌરવ નિરાશ દેખાયા અને મેદાન છોડતી વખતે ડગઆઉટ નજીક ફિલ્ડિંગ કરી રહેલા રોહન રાજે સાથે તેની બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.

શરૂઆતમાં ચોથા અમ્પાયરે બંને ખેલાડીઓને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાત ત્યાં અટકી નહોતી. બંને ફરી એકબીજાની નજીક આવી ગયા અને ઉગ્ર દલીલ કરવા લાગ્યા. સ્થિતિ વધુ બગડે તે પહેલાં બંને ટીમોના ખેલાડીઓ અને અધિકારીઓ વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો. મેદાન પર સર્જાયેલા આ દૃશ્યે દર્શકોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.

મેચની વાત કરીએ તો એમએસસી મરાઠા રોયલ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 154/5 રન બનાવ્યા હતા, જેમાં ચિન્મય રાજેશ સુતારે 61 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જવાબમાં આર્ક્સ અંધેરીની ટીમ 146/8 સુધી જ પહોંચી શકી અને 8 રને મેચ હારી ગઈ. છેલ્લી ઓવરમાં રોહન રાજેએ કસી બોલિંગ કરીને માત્ર 5 રન આપ્યા હતા અને પોતાની ટીમને સતત બીજી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મેચ બાદ લીગ સંચાલકોએ ગૌરવ જઠાર અને રોહન રાજે બંને સામે શિસ્તભંગની કાર્યવાહી કરતાં એક મેચનો પ્રતિબંધ અને ₹10,000નો દંડ ફટકાર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Exit mobile version