OTHER LEAGUES

8 વર્ષ માટે ક્રિકેટમાંથી બહાર

ક્રિકેટ જગતમાં ભ્રષ્ટાચાર સામે ICCએ વધુ એક કડક કાર્યવાહી કરી છે. અમેરિકાના ક્રિકેટર બોડુગુમ અખિલેશ રેડ્ડીને મેચ ફિક્સિંગ સંબંધિત ગંભીર આરોપોમાં દોષિત ઠેરવતા ICCની એન્ટી-કરપ્શન ટ્રિબ્યુનલએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી 8 વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધા છે. આ કાર્યવાહી 2025માં યુએઈમાં રમાયેલી અબુ ધાબી T10 લીગ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારના કેસ સાથે જોડાયેલી છે.

ICCના જણાવ્યા અનુસાર અખિલેશ રેડ્ડી ત્રણ અલગ-અલગ એન્ટી-કરપ્શન નિયમોના ભંગ માટે દોષિત સાબિત થયા છે. તેના પર મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવાનો, અન્ય ખેલાડીને પણ ભ્રષ્ટ પ્રવૃત્તિમાં સામેલ થવા પ્રોત્સાહિત કરવાનો અને તપાસ દરમિયાન પોતાના મોબાઇલમાંથી મહત્વપૂર્ણ ડેટા તથા મેસેજ ડિલીટ કરીને તપાસમાં અવરોધ ઊભો કરવાનો આરોપ સાબિત થયો છે.

આ કેસમાં ICCએ એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ECB) તરફથી નિયુક્ત એન્ટી-કરપ્શન અધિકારી તરીકે તપાસ હાથ ધરી હતી. નવેમ્બર 2025માં અખિલેશ રેડ્ડીને પ્રાથમિક રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ લાંબી તપાસ તથા સુનાવણી બાદ ટ્રિબ્યુનલએ તેને દોષિત જાહેર કરીને 8 વર્ષની સજા ફટકારી છે. પ્રતિબંધની અસર તેની પ્રાથમિક સસ્પેન્શનની તારીખથી જ અમલમાં ગણાશે.

ભારતીય મૂળના અખિલેશ રેડ્ડીએ અમેરિકાની ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમ્યું છે, પરંતુ આ નિર્ણય બાદ તેનું ક્રિકેટિંગ કરિયર લગભગ સમાપ્ત થવાની સ્થિતિમાં આવી ગયું છે. ICCએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ક્રિકેટમાં ભ્રષ્ટાચાર માટે કોઈપણ પ્રકારની સહનશીલતા રાખવામાં આવશે નહીં અને રમતની વિશ્વસનીયતા જાળવવા માટે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.

Exit mobile version