OTHER LEAGUES

10 છગ્ગાની તોફાની ઈનિંગથી જૉન્ટી સિધુનો ધમાકો

દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026ના બીજા ક્વોલિફાયરમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સના કેપ્ટન જૉન્ટી સિધુએ પોતાની બેટિંગથી ધમાલ મચાવી દીધી હતી. પુરાની દિલ્હી 6 સામે રમાયેલી મહત્વની મેચમાં જૉન્ટી સિધુએ માત્ર 46 બોલમાં અણનમ 106 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની આ ઈનિંગ દરમિયાન તેણે 10 ગગનચુંબી છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 230.43 રહ્યો હતો.

મેચમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સની શરૂઆત ખાસ સારી રહી નહોતી. ઓપનર સિદ્ધાર્થ જૂને 9 બોલમાં 20 રન બનાવ્યા હતા, જ્યારે સમર્થ સિંહ 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ યૂગલ સૈની પણ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. ટીમ મુશ્કેલીમાં દેખાઈ રહી હતી ત્યારે કેપ્ટન જૉન્ટી સિધુ ક્રિઝ પર આવ્યા અને મેચનો આખો માહોલ બદલી નાખ્યો.

જૉન્ટીએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને પુરાની દિલ્હી 6ના બોલરો પર સતત પ્રહાર કર્યા. ચોગ્ગા-છગ્ગાની મદદથી તેણે સ્કોરબોર્ડને ઝડપથી આગળ ધપાવ્યું. 46 બોલમાં અણનમ 106 રનની તેની ઈનિંગે સેન્ટ્રલ દિલ્હીને 20 ઓવરમાં 5 વિકેટે 218 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું.

જવાબમાં પુરાની દિલ્હી 6ની ટીમ આ મોટા લક્ષ્યાંક સામે દબાણમાં આવી ગઈ અને સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે મેચ 72 રને જીતી લીધી. આ જીત સાથે સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે DPL 2026ની ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું.

જૉન્ટી સિધુ માટે આ શતક ખાસ રહ્યું. DPL 2026માં આ તેમનું પ્રથમ શતક છે અને સિઝનની સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ્સમાં તે બીજા ક્રમે છે. આ સિઝનમાં સનત સાંગવાન 111 રન સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે જૉન્ટી બાદ અનુજ રાવત 105 અને યશ ધુલ 100 રન સાથે આગળ છે.

Exit mobile version