મધ્ય પ્રદેશ પ્રીમિયર લીગ (MPPL) 2026માં ક્રિકેટ ચાહકોને એક રોમાંચક અને ઐતિહાસિક મુકાબલો જોવા મળ્યો. રજત પાટીદારની કપ્તાની હેઠળની ગ્વાલિયર ચીતાજે 20 ઓવરમાં 6 વિકેટે 257 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, પરંતુ તેમ છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો. ચંબલ ઘડિયાલ્સે આ પહાડ સમાન લક્ષ્યને માત્ર ત્રણ બોલ બાકી રહેતાં હાંસલ કરી 7 વિકેટે શાનદાર જીત નોંધાવી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ગ્વાલિયરની શરૂઆત સારી રહી નહોતી અને શરૂઆતમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ પાર્થ ચૌધરી અને કુલદીપ ગેહીએ આક્રમક બેટિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. ચૌધરીએ 38 બોલમાં 73 રનની તોફાની ઇનિંગ્સ રમી, જ્યારે ગેહીએ 42 બોલમાં 88 રન ફટકાર્યા. અંતિમ ઓવરોમાં કપ્તાન રજત પાટીદારે માત્ર 16 બોલમાં 46 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી, જેના કારણે ગ્વાલિયરનો સ્કોર 257 સુધી પહોંચ્યો.
258 રનના લક્ષ્યનો પીછો કરતી ચંબલ માટે અંકુશ સિંહે શરૂઆતથી જ વિસ્ફોટક બેટિંગ શરૂ કરી. તેણે માત્ર 15 બોલમાં અડધી સદી અને ત્યારબાદ માત્ર 32 બોલમાં સદી પૂરી કરી. આ MPPLના ઇતિહાસની સૌથી ઝડપી સદી બની. અંકુશે 33 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં 11 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થયો હતો. તેના આક્રમક પ્રહારો સામે ગ્વાલિયરના બોલરો સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલાઈ ગયા.
અંકુશ આઉટ થયા બાદ ચંબલ થોડું દબાણમાં આવી ગઈ હતી, પરંતુ અમન ભદૌરિયાએ 28 બોલમાં અણનમ 60 રનની મેચ વિજેતા ઇનિંગ્સ રમી ટીમને ઐતિહાસિક જીત અપાવી. આ જીત સાથે ચંબલ ઘડિયાલ્સે લીગમાં સતત ચોથી જીત મેળવી પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું, જ્યારે ગ્વાલિયરને સિઝનની બીજી હારનો સામનો કરવો પડ્યો.
101(33) by Ankush Singh in the MP T20 chasing 258 vs Rajat Patidar led Gwalior Cheetas he smashed 11 sixes and 6 fours with 300+ SR 🤯 pic.twitter.com/1Ilau3vMAb
— Heisenberg 🇮🇳 (@Internetumpire7) June 11, 2026

