OTHER LEAGUES

સચિનના પુત્રનો તોફાન

ભારતીય ક્રિકેટના દિગ્ગજ Sachin Tendulkarના પુત્ર Arjun Tendulkarએ ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. ટી20 મુંબઈ લીગ 2026માં ARCS અંધેરી તરફથી રમતા અર્જુને 8 જૂનના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

બાંદ્રા બ્લાસ્ટર્સ સામેની મેચમાં અર્જુન તેંડુલકરે પ્રથમ બોલિંગમાં અસરકારક દેખાવ કર્યો હતો. તેણે માત્ર 3 ઓવરમાં 11 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તેની કિફાયતી અને ઘાતક બોલિંગના કારણે વિરોધી ટીમ પર શરૂઆતથી જ દબાણ સર્જાયું હતું.

બોલિંગ બાદ અર્જુને બેટિંગમાં પણ તોફાની અંદાજ બતાવ્યો હતો. તેણે માત્ર 34 બોલમાં 66 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. પોતાની ઇનિંગ્સ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. અર્જુનની આ ઇનિંગ્સે મેચનો રૂખ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો અને ARCS અંધેરીને જીતની નજીક પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બેટ અને બોલ બંને વિભાગમાં શાનદાર પ્રદર્શન બદલ અર્જુનને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી સતત મહેનત કરી રહેલા અર્જુન માટે આ પ્રદર્શન ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોનું માનવું છે કે અર્જુન તેંડુલકર ધીમે-ધીમે પોતાની અલગ ઓળખ બનાવી રહ્યો છે. તેના આ પ્રદર્શનથી એ સ્પષ્ટ થયું છે કે તે માત્ર મહાન ક્રિકેટરના પુત્ર તરીકે નહીં, પરંતુ પોતાની ક્ષમતાના આધારે પણ ક્રિકેટ જગતમાં મોટું નામ કમાવાની ક્ષમતા ધરાવે છે. ટી20 મુંબઈ લીગમાં તેની આ યાદગાર ઇનિંગ્સ અને બોલિંગ સ્પેલ લાંબા સમય સુધી યાદ રહેશે.

Exit mobile version