ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલા વન-ડે કપ 2026માં હેમ્પશાયરના બેટર ટોબી અલ્બર્ટે પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. સસેક્સ સામેની મેચમાં 24 વર્ષીય અલ્બર્ટે માત્ર 37 બોલમાં 86 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે સતત છ બોલમાં છ છગ્ગા ફટકારીને મેદાન પર સનસનાટી મચાવી દીધી હતી.
હોવ ખાતે રમાયેલી આ મેચમાં અલ્બર્ટ ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. ખાસ વાત એ રહી કે તેણે 43મી ઓવરની છેલ્લી બે બોલમાં સતત બે છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ આગામી ઓવરમાં ઓલી કિર્ટલીની બોલિંગ સામે સતત ચાર બોલમાં ચાર છગ્ગા ફટકારીને તેણે છ બોલમાં છ છગ્ગાનો અદ્ભુત પરાક્રમ કરી બતાવ્યો.
અલ્બર્ટે માત્ર 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જે આ સિઝનના વન-ડે કપમાં સૌથી ઝડપી 50+ સ્કોર છે. તેની તોફાની બેટિંગે હેમ્પશાયરના વિશાળ સ્કોરનો પાયો મજબૂત બનાવ્યો.
હેમ્પશાયર પહેલાં બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 383 રન બનાવવામાં સફળ રહ્યું. ઓપનર બેન મેયસે 109 અને અલી ઓરે 105 રનની શાનદાર સદી ફટકારી હતી. બંને વચ્ચે 225 રનની મોટી ભાગીદારી થઈ હતી. ભારતીય બેટર આશુતોષ શર્મા પણ હેમ્પશાયર તરફથી રમે છે, જોકે આ મેચમાં તે 12 બોલમાં માત્ર 12 રન બનાવી શક્યો હતો.
જવાબમાં સસેક્સની ટીમ 49મી ઓવરમાં 332 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચાર્લી ટિયરે 111 રનની સદી ફટકારી હોવા છતાં ટીમને જીત અપાવી શક્યો નહોતો. હેમ્પશાયરે 51 રનથી મેચ જીતી હતી. આ જીત સાથે હેમ્પશાયરની ટૂર્નામેન્ટમાં સાત મેચમાંથી ચોથી જીત નોંધાઈ છે.
ટોબી અલ્બર્ટના છ બોલમાં છ છગ્ગાના આ કારનામાએ વન-ડે ક્રિકેટમાં ફરી એકવાર પાવર હિટિંગનો રોમાંચ જોવા મળ્યો છે.
In the midst of all the chaos, Toby Albert actually hit six consecutive sixes 😱😱😱 https://t.co/atROgWf5Hz
— Hampshire Cricket (@hantscricket) August 9, 2026

