OTHER LEAGUES

પ્રથમ વખત ‘ધ હન્ડ્રેડ’નો ખિતાબ જીત્યો

ધ હન્ડ્રેડ વુમન્સ સ્પર્ધાની ફાઇનલમાં ટ્રેન્ટ રોકેટ્સે શાનદાર પ્રદર્શન કરતાં સનરાઇઝર્સ લીડ્સને 8 વિકેટે હરાવીને પ્રથમ વખત ખિતાબ પોતાના નામે કર્યો. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી ફાઇનલ સંપૂર્ણપણે ટ્રેન્ટ રોકેટ્સના નામે રહી હતી. ટીમે પહેલા બોલિંગમાં સનરાઇઝર્સ લીડ્સને માત્ર 91 રનમાં ઓલઆઉટ કરી દીધું અને ત્યારબાદ માત્ર 54 બોલમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.

ટ્રેન્ટ રોકેટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ટીમ માટે એકદમ યોગ્ય સાબિત થયો. સનરાઇઝર્સ લીડ્સની શરૂઆત જ ખરાબ રહી અને પાવરપ્લે દરમિયાન ટીમનો સ્કોર 26 રનમાં 3 વિકેટ થઈ ગયો હતો. ત્યારબાદ પણ બેટિંગ લાઇનઅપ દબાણમાંથી બહાર આવી શકી નહીં. સનરાઇઝર્સ તરફથી એનાબેલ સધરલેન્ડે 25 રનની ઇનિંગ રમી, પરંતુ બાકીના બેટર્સ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા. આખી ટીમ 91 રનમાં સમેટાઈ ગઈ.

ટ્રેન્ટ રોકેટ્સ તરફથી જ્યોર્જિયા એડમ્સે બોલિંગ અને ફિલ્ડિંગ બંનેમાં શાનદાર યોગદાન આપ્યું. તેણે બે વિકેટ ઝડપી, એક કેચ પકડ્યો અને એક મહત્વપૂર્ણ રનઆઉટ પણ કર્યો. ચાર્લી ફિલિપ્સે પણ 2 વિકેટ ઝડપી 12 રન આપ્યા. કિમ ગાર્થે 2 વિકેટ લઈને સનરાઇઝર્સની બેટિંગને વધુ મુશ્કેલીમાં મૂકી હતી. જ્યોર્જિયા એડમ્સને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવી.

91 રનના સરળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટ્રેન્ટ રોકેટ્સની શરૂઆત પણ જબરદસ્ત રહી. સોફિયા ડંકલીએ 41 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, જ્યારે બેથ મૂનીએ અણનમ 31 રન બનાવ્યા. બંનેએ મળીને 69 રનની મજબૂત ઓપનિંગ ભાગીદારી કરી અને ટીમને જીતની નજીક પહોંચાડી. અંતે ટ્રેન્ટ રોકેટ્સે 92 રન બનાવીને 8 વિકેટે વિજય મેળવ્યો અને 46 બોલ બાકી રાખ્યા.

આ જીત સાથે ટ્રેન્ટ રોકેટ્સે વુમન્સ ધ હન્ડ્રેડમાં પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું છે. ટીમ માટે આ ઐતિહાસિક સફળતા છે અને સમગ્ર સિઝનમાં તેના શાનદાર પ્રદર્શનનો આ યોગ્ય અંત રહ્યો.

Exit mobile version