OTHER LEAGUES

સિડની સિક્સર્સને મળ્યા નવા BBL હેડ કોચ

ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ફ્રેન્ચાઇઝ સિડની સિક્સર્સે બિગ બેશ લીગ (BBL) માટે નવા હેડ કોચ તરીકે અનુભવી કોચ મેથ્યુ મોટ્ટની નિમણૂક કરી છે. ક્લબે તેની સાથે આગામી બે વર્ષ માટેનો કરાર કર્યો છે. જોકે આ નવી જવાબદારી સ્વીકારતા મોટ્ટે મહિલા બિગ બેશ લીગ (WBBL) ટીમના હેડ કોચ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.

જેમ્સ હોપ્સ ક્વીન્સલેન્ડ પરત ફર્યા બાદ સિડની સિક્સર્સને નવા હેડ કોચની જરૂરિયાત ઊભી થઈ હતી. ગયા સીઝનમાં મેથ્યુ મોટ્ટ પુરુષ ટીમ સાથે સહાયક કોચ તરીકે જોડાયેલા હતા અને ટીમના ખેલાડીઓ તથા મેનેજમેન્ટ સાથે તેનો સારો તાલમેલ રહ્યો હતો. આ અનુભવને ધ્યાનમાં રાખીને ક્લબે તેને મુખ્ય કોચ તરીકે જવાબદારી સોંપી છે.

સિડની સિક્સર્સના જનરલ મેનેજર રેચલ હેન્સે જણાવ્યું કે ક્લબે લાંબા ગાળાની સ્થિરતા જળવાઈ રહે તે માટે પુરુષ અને મહિલા બંને ટીમો માટે અલગ-અલગ હેડ કોચ રાખવાનો નિર્ણય કર્યો છે. શરૂઆતમાં મોટ્ટ બંને ટીમોની જવાબદારી સંભાળે તેવી ચર્ચા થઈ હતી, પરંતુ BBL અને WBBLના બદલાતા સમયપત્રકને ધ્યાનમાં રાખીને આ વિચારને આગળ વધારવામાં આવ્યો નહોતો.

મેથ્યુ મોટ્ટે કહ્યું કે સિડની સિક્સર્સ પરિવારનો લાંબા સમયથી ભાગ રહેવું તેના માટે ગૌરવની વાત છે અને હવે BBL ટીમના હેડ કોચ તરીકે કામ કરવાની તક મળતા તેઓ ખૂબ ઉત્સાહિત છે. તેણે ઉમેર્યું કે ક્લબની જીતની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો તેમનો પ્રયાસ રહેશે. સાથે જ તેણે WBBL ટીમની કેપ્ટન એશ ગાર્ડનર, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.

મેથ્યુ મોટ્ટનો કોચિંગ રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે. તેના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે સતત બે T20 વર્લ્ડ કપ અને 2022નો વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડની પુરુષ વ્હાઇટ-બોલ ટીમના કોચ બન્યા અને 2022નો T20 વર્લ્ડ કપ પણ જીતાડ્યો હતો. હવે સિડની સિક્સર્સને આશા છે કે તેનો આ અનુભવ ટીમને ફરીથી BBL ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Exit mobile version