OTHER LEAGUES

અંપાયર ધર્મેશ ભારદ્વાજના ચહેરા પર બોલ વાગ્યો

દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં ક્રિકેટ ચાહકોને ચોંકાવી દે તેવી દુઃખદ ઘટના સામે આવી છે. ઈસ્ટ દિલ્હી રાઈડર્સ અને ન્યૂ દિલ્હી ટાઈગર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન અંપાયર ધર્મેશ ભારદ્વાજને બેટરના જોરદાર શોટથી ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના બાદ તેને સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

મેચ દરમિયાન ન્યૂ દિલ્હી ટાઈગર્સની ઇનિંગ્સની 18મી ઓવરમાં બેટર લક્ષ્ય થરેજાએ ડાબોડી સ્પિનર આશિષ મીણાની બોલિંગ પર જોરદાર સ્ટ્રેટ ડ્રાઈવ ફટકાર્યો હતો. શોટ એટલો ઝડપી હતો કે બોલર પણ બોલને રોકી શક્યો નહોતો. બોલ સીધો મેદાન પર ઊભેલા અંપાયર ધર્મેશ ભારદ્વાજના ચહેરાની જમણી બાજુ પર વાગ્યો હતો. અંપાયર પાસે બોલથી બચવા માટે પૂરતો સમય નહોતો.

બોલ વાગતાની સાથે જ મેચ રોકવામાં આવી અને તાત્કાલિક મેડિકલ ટીમને મેદાન પર બોલાવવામાં આવી. ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધર્મેશ ભારદ્વાજને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. બેટર લક્ષ્ય થરેજા પણ ઘટનાથી ખૂબ જ દુઃખી જોવા મળ્યો હતો.

આ DPL 2026માં ધર્મેશ ભારદ્વાજ સાથે બનેલી બીજી આવી ઘટના છે. અગાઉ પણ એક બેટરના સીધા શોટથી તેના ખભા પર બોલ વાગ્યો હતો. જોકે, આ વખતે બોલ ચહેરા પર વાગવાથી સ્થિતિ વધુ ગંભીર બની હતી.

મેચની વાત કરીએ તો ઈસ્ટ દિલ્હી રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂ દિલ્હી ટાઈગર્સની ટીમ 156 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ઈસ્ટ દિલ્હી રાઈડર્સે 36 રને મેચ જીતી હતી.

Exit mobile version