OTHER LEAGUES

જ્યારે ‘લિટલ માસ્ટર’ બન્યા લેફ્ટ હેન્ડર

ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરની કારકિર્દી સાથે જોડાયેલી એક એવી રસપ્રદ ઘટના ફરી ચર્ચામાં આવી છે, જે કદાચ ઘણા ક્રિકેટપ્રેમીઓને ખબર નહીં હોય. સામાન્ય રીતે જમણા હાથથી બેટિંગ કરનારા ગાવસ્કરે એક વખત પોતાની ટીમને હારથી બચાવવા માટે લગભગ એક કલાક સુધી ડાબા હાથથી બેટિંગ કરી હતી. આ ઘટના 1981-82ની રણજી ટ્રોફી દરમિયાન બની હતી.

બેંગલુરુમાં બોમ્બે અને કર્ણાટક વચ્ચે રમાયેલી આ મેચમાં કર્ણાટકના ડાબોડી સ્પિનર રઘુરામ ભટે બોમ્બેના બેટ્સમેનો માટે ભારે મુશ્કેલી ઊભી કરી હતી. ભટે પ્રથમ ઇનિંગ્સમાં 8 વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં પણ તેણે બોમ્બેના ટોચના બેટિંગ ક્રમને ધ્વસ્ત કરતાં 5 વિકેટ ઝડપી હતી. મેચમાં બોમ્બે પર હારનું સંકટ ઘેરાઈ ગયું હતું.

આ મુશ્કેલ સ્થિતિમાં ગાવસ્કર મેદાન પર આવ્યા અને ભટની ખતરનાક સ્પિનનો સામનો કરવા માટે ડાબા હાથથી બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટર્નિંગ પિચ પર ભટની બોલિંગ જમણા હાથના બેટ્સમેન માટે બહારની તરફ ખતરનાક રીતે વળતી હતી. ગાવસ્કરને લાગ્યું કે ડાબા હાથથી બેટિંગ કરવાથી આ ટર્નનો ખતરો ઘટાડી શકાય છે.

ખાસ વાત એ હતી કે ગાવસ્કર માત્ર રઘુરામ ભટ બોલિંગ કરતા ત્યારે જ ડાબા હાથથી બેટિંગ કરતા. જ્યારે બીજા છેડેથી જમણા હાથનો બોલર આવતો, ત્યારે તેઓ તરત જ ફરી જમણા હાથથી બેટિંગ કરવા લાગતા. લગભગ એક કલાક સુધી તેણે આ અનોખી રણનીતિથી બેટિંગ કરી અને અણનમ 18 રન બનાવ્યા. સાથી ખેલાડી ગુલામ પારકર સાથે મળીને તેણે બોમ્બેનો સ્કોર 218/9 સુધી પહોંચાડ્યો અને ટીમને હારથી બચાવીને મેચ ડ્રો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ગાવસ્કરે બાદમાં જણાવ્યું હતું કે તે પિચ પર ભટને જમણા હાથથી રમવું લગભગ અશક્ય બની ગયું હતું. ટીમને બચાવવા માટે તેણે પોતાની બેટિંગની શૈલી બદલવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના દર્શાવે છે કે ગાવસ્કર માત્ર ટેક્નિકલી શ્રેષ્ઠ બેટ્સમેન જ નહોતા, પરંતુ પરિસ્થિતિ પ્રમાણે તરત નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા પણ ધરાવતા હતા.

Exit mobile version