T-20

152 રન, 3 સુપર ઓવર અને ઐતિહાસિક પરિણામ

ક્રિકેટના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળતી રોમાંચક મેચ સ્કોટલેન્ડમાં રમાયેલી ટ્રાઈ-સિરીઝ દરમિયાન જોવા મળી, જ્યાં નેધરલેન્ડ્સ અને નેપાળ વચ્ચેનો ટી20 મુકાબલો એક નહીં, બે નહીં પરંતુ ત્રણ સુપર ઓવર સુધી પહોંચ્યો. અંતે નેધરલેન્ડ્સે ત્રીજા સુપર ઓવરમાં જીત મેળવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો.

મેચમાં બંને ટીમોએ નિર્ધારિત 20 ઓવરમાં 152 રન બનાવ્યા હતા. નેપાળે પહેલા બેટિંગ કરીને 8 વિકેટે 152 રન કર્યા હતા, જ્યારે નેધરલેન્ડ્સે પણ 7 વિકેટ ગુમાવીને એટલા જ રન બનાવ્યા અને મેચ ટાઈ થઈ ગઈ. ત્યારબાદ પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવાયો.

પ્રથમ સુપર ઓવરમાં નેપાળે 19 રન બનાવ્યા અને નેધરલેન્ડ્સે પણ બરાબર 19 રન બનાવી દીધા. ત્યારબાદ બીજી સુપર ઓવર રમાઈ, જેમાં નેધરલેન્ડ્સે 17 રન કર્યા અને જવાબમાં નેપાળે પણ 17 રન ફટકારી દીધા. આમ સતત બે સુપર ઓવર પણ ટાઈ રહ્યા, જેના કારણે ત્રીજી સુપર ઓવર રમવાની ફરજ પડી.

ત્રીજી સુપર ઓવરમાં નેપાળની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી. ટીમે બે વિકેટ ગુમાવીને એકપણ રન બનાવ્યો નહીં. ત્યારબાદ નેધરલેન્ડ્સને જીત માટે માત્ર 1 રનની જરૂર હતી. માઈકલ લેવિટે પ્રથમ જ બોલ પર છગ્ગો ફટકારી મેચનો અંત લાવી દીધો અને પોતાની ટીમને યાદગાર જીત અપાવી.

આ મુકાબલો પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ એવો મેચ બન્યો જેમાં વિજેતા નક્કી કરવા માટે ત્રણ સુપર ઓવર રમવી પડી. ક્રિકેટ ચાહકો માટે આ મેચ રોમાંચ, નાટક અને ઉત્કંઠાથી ભરપૂર યાદગાર મુકાબલો બની ગઈ છે.

Exit mobile version