ભારતીય ક્રિકેટ ટીમના સપ્ટેમ્બર 2026ના કાર્યક્રમમાં મોટો ફેરફાર થઈ શકે છે. મીડિયા અહેવાલો મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) બાંગ્લાદેશ પ્રવાસને લઈને ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. જો આ પ્રવાસને ભારત સરકારની મંજૂરી મળી જાય તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રસ્તાવિત ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી મુલતવી રાખવામાં આવી શકે છે. જોકે, અત્યાર સુધી BCCI અથવા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અહેવાલ અનુસાર, ગયા વર્ષે ભારતે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો હતો, જેમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની વ્હાઇટ-બોલ શ્રેણી રમાવાની હતી. પરંતુ કેટલાક કારણોસર આ પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે બંને ક્રિકેટ બોર્ડ સપ્ટેમ્બર 2026માં આ શ્રેણી યોજવા માટે ચર્ચા કરી રહ્યા છે. જોકે અંતિમ નિર્ણય ભારત સરકારની મંજૂરી બાદ જ લેવામાં આવશે.
જો બાંગ્લાદેશ પ્રવાસને લીલી ઝંડી મળી જાય તો દિલ્હીમાં યોજાનારી ભારત-અફઘાનિસ્તાન ટી20 શ્રેણીને આગળ ધકેલી શકાય છે. તેનાથી સપ્ટેમ્બરમાં લગભગ બે અઠવાડિયાનો સમય ઉપલબ્ધ થશે અને તેમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે વનડે તથા ટી20 શ્રેણીનું આયોજન થઈ શકશે.
સમયપત્રકની દૃષ્ટિએ પણ સપ્ટેમ્બર બંને દેશો માટે અનુકૂળ માનવામાં આવી રહ્યો છે. ભારતની શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી 27 ઑગસ્ટે પૂર્ણ થશે, જ્યારે બાંગ્લાદેશની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી 26 ઑગસ્ટે સમાપ્ત થશે. ત્યારબાદ બંને ટીમો પાસે વ્હાઇટ-બોલ ક્રિકેટ રમવા માટે સમય ઉપલબ્ધ રહેશે. એશિયન ગેમ્સ પહેલાં આ સમયગાળાનો ઉપયોગ કરવાની બંને બોર્ડની યોજના હોવાનું માનવામાં આવે છે.
હાલ તમામની નજર ભારત સરકારની મંજૂરી અને BCCI-BCBના અંતિમ નિર્ણય પર છે. જો મંજૂરી મળી જશે તો ક્રિકેટપ્રેમીઓને સપ્ટેમ્બરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક વ્હાઇટ-બોલ શ્રેણી જોવા મળી શકે છે, જ્યારે અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણી પાછળ ધકેલાઈ શકે છે.
The BCCI is reportedly set to push back the three-match T20I series against Afghanistan to be held in Delhi to clear a window for a white-ball series in Bangladesh.https://t.co/xuP25cgpdg
— Circle of Cricket (@circleofcricket) July 27, 2026
