ICC મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. ગ્રુપ સ્ટેજની તમામ મેચો પૂર્ણ થયા બાદ સેમિફાઇનલમાં પહોંચનાર ચાર ટીમોના નામ સત્તાવાર રીતે નક્કી થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાએ અંતિમ ચાર ટીમોમાં સ્થાન મેળવી ખિતાબ તરફ મજબૂત દાવેદારી નોંધાવી છે.
ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરતાં તમામ મેચ જીતી ટોચનું સ્થાન મેળવ્યું. પોતાની છેલ્લી લીગ મેચમાં ભારત સામે રેકોર્ડ સફળ રનચેઝ કરીને તેણે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે આ હાર બાદ ભારતીય ટીમનું અભિયાન સમાપ્ત થયું. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પણ સતત સારા દેખાવના આધારે ગ્રુપમાંથી બીજા ક્રમે રહી સેમિફાઇનલમાં જગ્યા બનાવી.
ગ્રુપ Bમાં યજમાન ઇંગ્લેન્ડે એકપણ મેચ ગુમાવ્યા વગર ટોચનું સ્થાન હાંસલ કર્યું. ઇંગ્લિશ ટીમે પાંચેય લીગ મેચોમાં પ્રભાવશાળી જીત મેળવી પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝે શરૂઆતમાં સતત ત્રણ જીત મેળવી હતી. ત્યારબાદ બે મેચમાં પરાજય છતાં નેટ રન રેટના આધારે તેણે શ્રીલંકાને પાછળ રાખીને સેમિફાઇનલનું ટિકિટ મેળવ્યું.
હવે પ્રથમ સેમિફાઇનલ 30 જૂને લંડનના ધ ઓવલ મેદાનમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાશે. બીજી સેમિફાઇનલ 2 જુલાઈએ એ જ મેદાન પર ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાશે. બંને વિજેતા ટીમો 5 જુલાઈએ લોર્ડ્સ ખાતે રમાનારી ફાઇનલમાં આમને-સામને ટકરાશે.
ઓસ્ટ્રેલિયા પોતાના સાતમા મહિલા ટી20 વર્લ્ડ કપ ખિતાબની શોધમાં છે, જ્યારે ઇંગ્લેન્ડ ઘરઆંગણે ચેમ્પિયન બનવાનું સપનું સાકાર કરવા ઉત્સુક છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ દસ વર્ષ બાદ ફરી એકવાર વિશ્વ વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરશે. હવે ચાહકોની નજર આ બે હાઇ-વોલ્ટેજ સેમિફાઇનલ મુકાબલાઓ પર ટકેલી છે, જ્યાંથી વિશ્વ ચેમ્પિયન બનવાના દાવેદારો નક્કી થશે.
The Women’s T20 World Cup 2026 semi-final spots are locked in.
Who are your finalists? 🤔 pic.twitter.com/5Fjac4kDRU
— CricTracker (@Cricketracker) June 29, 2026

