નામીબિયાએ એક વખત ફરી દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. વિન્ડહોકમાં રમાયેલી T20 ટ્રાઈ-સિરીઝની પ્રથમ મેચમાં નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને 18 રને હરાવીને વિજય સાથે અભિયાનની શરૂઆત કરી. ખાસ વાત એ છે કે નામીબિયાની દક્ષિણ આફ્રિકા સામે આ સતત બીજી T20I જીત છે.
મેચમાં ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નામીબિયાની શરૂઆત સારી રહી હતી. લોરેન સ્ટીનકેમ્પ અને જાન ફ્રાયલિન્કે પ્રથમ વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. સ્ટીનકેમ્પે 29 બોલમાં 41 રન બનાવ્યા, જ્યારે ફ્રાયલિન્કે માત્ર 38 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી. તેની મદદથી નામીબિયાએ 20 ઓવરમાં 9 વિકેટે 163 રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો.
164 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખરાબ રહી. ટીમે શરૂઆતમાં જ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ડેવાલ્ડ બ્રેવિસે એક છેડો સંભાળી રાખ્યો હતો. બ્રેવિસે 50 બોલમાં 75 રનની લડાયક ઇનિંગ રમી, જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થયો હતો. પરંતુ તેની આ ઇનિંગ ટીમને જીત અપાવી શકી નહીં.
નામીબિયાના ફાસ્ટ બોલર રૂબેન ટ્રમ્પેલમેને બોલિંગમાં કમાલ કરી અને 24 રનમાં ત્રણ વિકેટ ઝડપી. તેમાં બ્રેવિસની મહત્વપૂર્ણ વિકેટ પણ સામેલ હતી. આ વિકેટ બાદ દક્ષિણ આફ્રિકાની જીતની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. અંતે દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 145 રન જ બનાવી શકી અને નામીબિયાએ 18 રને યાદગાર જીત નોંધાવી.
આ જીતથી નામીબિયાએ ટ્રાઈ-સિરીઝમાં શાનદાર શરૂઆત કરી છે, જ્યારે દક્ષિણ આફ્રિકા માટે હવે આગામી મેચમાં વાપસી કરવી મહત્વપૂર્ણ રહેશે.
A famous win for Namibia over South Africa in Windhoek 🔥
Chasing 164, SA fell short by 18 runs. They are yet to defeat Namibia in a men’s T20I!
📷: Cricket Namibia pic.twitter.com/x20vymXUV4
— Cricbuzz (@cricbuzz) August 28, 2026

