T-20

45મા જન્મદિવસે ધોનીએ ચાહકોને આપી ખાસ ભેટ

ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના 45મા જન્મદિવસને અનોખી રીતે ઉજવી ચાહકોને યાદગાર સરપ્રાઇઝ આપ્યું. ઈંગ્લેન્ડના નોટિંગહામ સ્થિત ટ્રેન્ટ બ્રિજ મેદાનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચ દરમિયાન ધોની અચાનક સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. તેની હાજરીથી સમગ્ર સ્ટેડિયમમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી અને ચાહકો જોરદાર તાળીઓ અને જયઘોષ સાથે તેનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા.

મેચ દરમિયાન જ્યારે સ્ટેડિયમની મોટી સ્ક્રીન પર ધોનીની તસવીર દેખાડવામાં આવી ત્યારે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ધોની હૉસ્પિટાલિટી સ્ટેન્ડમાં હાથમાં કોફીનો કપ લઈને મેચનો આનંદ માણતા નજરે પડ્યા હતા. તેણે ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. બીસીસીઆઈએ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ટ બ્રિજમાં મેચ જોતા ધોનીનો ફોટો શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

જોકે ધોનીની હાજરી ચાહકો માટે ખુશીની ક્ષણ બની, પરંતુ ટીમ ઈન્ડિયા માટે મેચ નિરાશાજનક રહી. ઈંગ્લેન્ડે ભારતને 202 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 125 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે પાંચ મેચોની ટી20 શ્રેણીમાં ઈંગ્લેન્ડે 2-0ની સરસાઈ મેળવી લીધી છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. હવે શ્રેણી બરાબરી પર સમાપ્ત કરવા માટે ભારતે બાકીની બંને મેચ જીતવી ફરજિયાત બની ગઈ છે.

ધોની છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં બહુ ઓછા જોવા મળે છે. તેથી તેમના જન્મદિવસે ટ્રેન્ટ બ્રિજમાં અચાનક દેખાવાથી સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થયા હતા. મેચનું પરિણામ ભારત માટે નિરાશાજનક રહ્યું હોવા છતાં, ધોનીની એક ઝલકે લાખો ચાહકોનો દિવસ યાદગાર બનાવી દીધો હતો અને ફરી એકવાર ‘કેપ્ટન કૂલ’ પ્રત્યે લોકોનો પ્રેમ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

Exit mobile version