T-20

ઇંગ્લેન્ડ 88 રનમાં ઓલઆઉટ

લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારતીય ખેલાડીઓએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડ સામે મોટી જીત નોંધાવી છે. ભારતની પુરુષ મિક્સ્ડ ડિસેબિલિટી ટીમે સાત મેચની ટી20 શ્રેણીની અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને 118 રનથી હરાવ્યું. જોકે, આ જીત છતાં શ્રેણીની ટ્રોફી ઇંગ્લેન્ડે 4-3થી પોતાના નામે કરી હતી.

મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી અને પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ સાઈ આકાશ અને અર્જુન ગાવરે શાનદાર બેટિંગ કરીને ઇનિંગ્સને સંભાળી હતી. બંને વચ્ચે 111 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. સાઈ આકાશે 48 રન બનાવ્યા, જ્યારે અર્જુન ગાવરે 68 રનની મજબૂત ઇનિંગ રમી હતી.

આ બંનેના આઉટ થયા બાદ મજીદ મગરાયે તોફાની બેટિંગ કરી હતી. તેમણે માત્ર 19 બોલમાં અણનમ 63 રન ફટકારીને ભારતનો સ્કોર 20 ઓવરમાં 206/4 સુધી પહોંચાડ્યો હતો. તેમની આ વિસ્ફોટક ઇનિંગ ભારત માટે મેચનો મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.

207 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે શરૂઆતમાં 36 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોનો કહેર જોવા મળ્યો હતો. વિકેટો ઝડપથી પડતી ગઈ અને આખી ઇંગ્લિશ ટીમ માત્ર 13.4 ઓવરમાં 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જૉની ગેલે 19 રન સાથે ટીમ તરફથી સૌથી વધુ સ્કોર કર્યો. ભારત તરફથી હિલાલ અહમદ વાણીએ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી.

આ રીતે ભારતે 118 રનની મોટી જીત સાથે શ્રેણીનો અંત વિજયથી કર્યો, જ્યારે ઇંગ્લેન્ડે 4-3થી શ્રેણી જીતી હતી. લોર્ડ્સમાં ભારતીય ખેલાડીઓના આ પ્રદર્શનથી ટીમે ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે.

Exit mobile version