ICC મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની કારમી હાર બાદ પાકિસ્તાન મહિલા ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ધીમી ઓવર રેટ જાળવવા બદલ પાકિસ્તાનની ટીમ પર મેચ ફીના 5 ટકા દંડની જાહેરાત કરી છે. આ નિર્ણય ભારત સામે રમાયેલી ગ્રુપ-Aની મેચ બાદ લેવામાં આવ્યો હતો.
બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું હતું. મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમ નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી ઓવરો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી. મેચ રેફરી ટ્રુડી એન્ડરસને સમય ભથ્થાંનો હિસાબ કર્યા બાદ પાકિસ્તાનને એક ઓવર પાછળ ગણાવી હતી અને ત્યારબાદ આ દંડ ફટકારવામાં આવ્યો હતો.
ICCની આચાર સંહિતાની કલમ 2.22 મુજબ, જો કોઈ ટીમ નિર્ધારિત સમયગાળામાં ઓવરો પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો દરેક બાકી રહેલી ઓવર માટે ખેલાડીઓની મેચ ફીમાંથી 5 ટકા રકમ દંડ તરીકે વસૂલવામાં આવે છે. પાકિસ્તાન માત્ર એક ઓવર પાછળ રહી હોવાથી સમગ્ર ટીમને 5 ટકા દંડનો સામનો કરવો પડશે.
પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને પ્રસ્તાવિત સજા પણ સ્વીકારી લીધી હતી. જેના કારણે કોઈ ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી નહોતી. મેદાન પરના અમ્પાયરો ક્લેર પોલોસાક અને જેકલીન વિલિયમ્સ ઉપરાંત ત્રીજા અમ્પાયર એલોઇઝ શેરિડન અને ચોથા અમ્પાયર સુ રેડફર્ને આ આરોપ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 170/6નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. સ્મૃતિ મંધાણાની 68 રનની ઇનિંગ્સ અને રિચા ઘોષની ઝડપી બેટિંગ બાદ દીપ્તિ શર્માના 5 વિકેટે પાકિસ્તાનને 106 રનમાં સમેટી દીધું હતું. હવે હાર અને દંડના ડબલ ઝટકાથી પાકિસ્તાનની ટીમ પર આગામી મેચોમાં સારું પ્રદર્શન કરવાનો દબાણ વધી ગયો છે.

