T-20

પ્રથમ જ આંતરરાષ્ટ્રીય મેચમાં 3 વિકેટ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં એક નવી સ્ટાર મળી ગઈ છે. યુવા ફાસ્ટ બોલર નંદિની શર્માએ પોતાના ડેબ્યૂ મેચમાં જ ઘાતક બોલિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ચેલ્મ્સફોર્ડ ખાતે રમાયેલી મેચમાં નંદિનીએ માત્ર થોડા જ બોલમાં મેચનો રુખ બદલી નાખ્યો અને ભારતને 38 રનની શાનદાર જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

નંદિની શર્માએ પોતાના T20I ડેબ્યૂમાં 3 વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો. તે ડેબ્યૂ મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 3 વિકેટ લેનારી માત્ર બીજી ભારતીય મહિલા પેસર બની છે. તેની ઝડપી અને સચોટ બોલિંગ સામે ઇંગ્લેન્ડની બેટિંગ લાઇનઅપ દબાણમાં આવી ગઈ હતી. ખાસ કરીને મધ્ય ઓવરોમાં તેના સ્પેલે મેચ ભારત તરફ ઝૂકી દીધી હતી.

આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં 188 રન બનાવ્યા હતા. ટીમ માટે જેમિમાહ રોડ્રિગ્ઝએ 69 અને યાસ્તિકા ભાટિયાએ 54 રનની તોફાની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે મોટી ભાગીદારી થતાં ભારત મજબૂત સ્કોર સુધી પહોંચી શક્યું. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 150 રન સુધી જ સીમિત રહી.

નંદિની શર્માએ WPL 2026માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં તેણે દિલ્હી કેપિટલ્સ માટે 10 મેચમાં 17 વિકેટ ઝડપી હતી. તેની સતત સારા પ્રદર્શનના કારણે તેને ભારતની ટીમમાં સ્થાન મળ્યું અને હવે ડેબ્યૂમાં જ તેણે પોતાની પ્રતિભાનો પરિચય આપી દીધો છે.

Exit mobile version