T-20

જીત બાદ પણ ચાલુ રહી ભારતીય બેટિંગ

ઇંગ્લેન્ડ સામે 28 મે થી શરૂ થનારી ત્રણ મેચોની ટી20 સિરીઝ પહેલા ભારતીય મહિલા ટીમે વોર્મ-અપ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ચેલ્મ્સફોર્ડના એમ્બેસેડર ક્રૂઝ લાઇન ગ્રાઉન્ડ ખાતે રમાયેલા મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ ECB ડેવલપમેન્ટ મહિલા XIને 7 વિકેટે હરાવી આત્મવિશ્વાસભર્યો વિજય મેળવ્યો હતો. જોકે, આ મેચમાં સૌથી રસપ્રદ બાબત એ રહી કે ભારતીય ટીમે ટાર્ગેટ હાંસલ કર્યા પછી પણ પોતાની બેટિંગ ચાલુ રાખી અને નિર્ધારિત 20 ઓવર પૂરા કરીને લક્ષ્યાંક કરતાં 45 રન વધુ બનાવ્યા.

મેચમાં પહેલા બેટિંગ કરતા ECB ડેવલપમેન્ટ મહિલા XIએ 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. ટીમ માટે ફ્લોરેન્સ મિલરે સૌથી વધુ 48 રનની ઇનિંગ રમી હતી, જ્યારે જોઆન ગાર્ડનરે 36 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન સોફિયા સ્મેલ 27 રન બનાવી અણનમ રહી હતી. ભારતીય બોલિંગમાં અરુણધતી રેડ્ડીએ શાનદાર પ્રદર્શન કરીને 3 વિકેટ ઝડપી હતી. ઉપરાંત દીપ્તિ શર્મા અને શ્રેયાંકા પાટિલને 1-1 સફળતા મળી હતી.

155 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને સ્મૃતિ મંધાનાએ ઝડપી શરૂઆત અપાવી હતી. તેમણે માત્ર 10 બોલમાં 21 રન બનાવ્યા હતા. ત્યારબાદ યાસ્તિકા ભાટિયાએ 47 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, જ્યારે ભારતી ફુલમાલીએ 48 રન ફટકાર્યા હતા.

આ મેચમાં શેફાલી વર્માએ સૌથી વધુ પ્રભાવ પાડ્યો હતો. તેમણે માત્ર 25 બોલમાં 50 રનની તાબડતોબ ઇનિંગ રમી, જેમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થયો હતો. તેનો સ્ટ્રાઈક રેટ 200 રહ્યો હતો.

ટીમ ઇન્ડિયાએ 16.2 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો, પરંતુ વોર્મ-અપ મેચ હોવાને કારણે ખેલાડીઓને વધુ તૈયારી અને પ્રેક્ટિસ મળે તે માટે આખા 20 ઓવર સુધી બેટિંગ ચાલુ રાખવામાં આવી હતી. પરિણામે ભારતે 200 રનનો સ્કોર ઉભો કરીને ટાર્ગેટ કરતાં 45 રન વધુ બનાવ્યા હતા.

Exit mobile version