T-20

420ના ઘાતક સ્ટ્રાઇક રેટ સાથે શ્રીલંકાના હાથમાંથી વિજય છીનવી

વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં ક્રિકેટ ચાહકોને જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો હતો. કિંગ્સ્ટનમાં રમાયેલી આ મેચમાં એક સમયે શ્રીલંકાની જીત લગભગ નિશ્ચિત લાગી રહી હતી, પરંતુ જેસન હોલ્ડરની વિસ્ફોટક બેટિંગે આખી મેચનું ચિત્ર બદલી નાખ્યું. વેસ્ટ ઇન્ડિઝે 5 વિકેટે જીત મેળવી ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી નહોતી. કેપ્ટન કુસલ મેન્ડિસ માત્ર 5 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ સતત વિકેટો પડતાં ટીમ 88 રન સુધીમાં પાંચ વિકેટ ગુમાવી ચૂકી હતી. જોકે દુનિથ વેલ્લાલાગેએ 28 બોલમાં 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી અને ટીમને 169 રન સુધી પહોંચાડી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી શમર જોસેફએ શાનદાર બોલિંગ કરતાં 5 વિકેટ ઝડપી હતી.

170 રનના લક્ષ્યનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડિઝની સ્થિતિ પણ એક સમયે નાજુક બની ગઈ હતી. ટીમે 53 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શેરફેન રધરફોર્ડ અને રોવમેન પોવેલએ મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને મેચમાં જાળવી રાખી. રધરફોર્ડે 40 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા.

છેલ્લી બે ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 29 રનની જરૂર હતી. ત્યારે જેસન હોલ્ડરે 19મી ઓવરમાં ત્રણ ગગનચુંબી છગ્ગા ફટકારી 23 રન લૂંટી લીધા. હોલ્ડરે માત્ર 5 બોલમાં અણનમ 21 રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઈક રેટ 420 રહ્યો. તેની આ વિસ્ફોટક ઇનિંગ્સે શ્રીલંકાના હાથમાંથી જીત છીનવી લીધી. અંતે રધરફોર્ડે ચોગ્ગો અને સિંગલ સાથે ટીમને જીત અપાવી દીધી.

જેસન હોલ્ડરની આ મેચ વિનિંગ કેમિયોએ વેસ્ટ ઇન્ડિઝને માત્ર જીત જ અપાવી નહીં, પરંતુ શ્રેણી પણ જીતાડી દીધી, જેના કારણે તેઓ મેચના સૌથી મોટા હીરો બની રહ્યા.

Exit mobile version