T-20

કિવી મહિલા ટીમનો બેટિંગ ફ્લોપ શો

ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડ મહિલા ટીમ સામે રમાયેલી ત્રણ મેચોની ટી20 સિરીઝમાં કિવી ટીમને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝનો ત્રીજો અને નિર્ણાયક મુકાબલો 25 મેના રોજ હોવ કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાયો હતો, જ્યાં ન્યૂઝીલેન્ડની બેટિંગ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી હતી. પહેલા બેટિંગ કરતા કિવી ટીમ માત્ર 80 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડે આ ટાર્ગેટ માત્ર 13.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.

ન્યૂઝીલેન્ડની કેપ્ટન અમેલિયા કેરે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય ટીમ માટે ખોટો સાબિત થયો. આખી ઇનિંગ દરમિયાન ન્યૂઝીલેન્ડના બેટર્સ ઇંગ્લેન્ડના બોલર્સ સામે સંઘર્ષ કરતા નજર આવ્યા. ટીમના 11માંથી માત્ર 3 બેટર્સ જ ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા હતા, જ્યારે 8 ખેલાડીઓ સિંગલ ડિજિટ સ્કોર પર આઉટ થયા હતા. જેસ કેરે સૌથી વધુ 20 રન બનાવ્યા હતા, જ્યારે ઇસાબેલા ગેજે 17 અને મેડી ગ્રીને 14 રનનું યોગદાન આપ્યું હતું.

ઇંગ્લેન્ડ તરફથી ચાર્લોટ ડીન અને ડેનિયલ ગિબ્સને શાનદાર બોલિંગ કરતા 3-3 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડની આખી ટીમ 19.1 ઓવરમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી.

જવાબમાં ઇંગ્લેન્ડે આ સરળ લક્ષ્ય ખૂબ જ સરળતાથી હાંસલ કર્યું હતું. સોફિયા ડંકલીએ 22 રનની ઇનિંગ રમી હતી, જ્યારે હેથર નાઈટ અને માયા બાઉચિયરે 19-19 રન બનાવી ટીમને જીત અપાવી હતી.

હવે ન્યૂઝીલેન્ડ મહિલા ટીમ ટી20 વર્લ્ડ કપ 2026માં પોતાનું અભિયાન 13 જૂને વેસ્ટઇન્ડીઝ સામે શરૂ કરશે. બીજી તરફ ઇંગ્લેન્ડ ટીમ 12 જૂને શ્રીલંકા સામે પોતાની પ્રથમ મેચ રમશે.

Exit mobile version