દક્ષિણ આફ્રિકાની ટી20 લીગ SA20ની ફ્રેન્ચાઇઝ જોબર્ગ સુપર કિંગ્સે આગામી 2027 સીઝન પહેલાં મોટો નિર્ણય લીધો છે. ટીમે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર અલ્બી મોર્કેલને નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ અત્યાર સુધી ટીમના કોચિંગ સ્ટાફનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા હતા અને હવે સ્ટીફન ફ્લેમિંગનું સ્થાન સંભાળશે. ફ્લેમિંગે પ્રથમ ચાર સીઝન સુધી ટીમને માર્ગદર્શન આપ્યા બાદ આ પદ છોડ્યું છે.
અલ્બી મોર્કેલનો સુપર કિંગ્સ પરિવાર સાથે લાંબો સંબંધ રહ્યો છે. તેઓ ખેલાડી તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યા હતા અને ત્યારબાદ કોચિંગમાં પણ સુપર કિંગ્સ ગ્રુપ સાથે જોડાયેલા રહ્યા. SA20ની શરૂઆતથી જ તેઓ જોબર્ગ સુપર કિંગ્સના કોચિંગ સ્ટાફમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા. તેના અનુભવ અને ટીમની સંસ્કૃતિની ઊંડી સમજને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટે તેને મુખ્ય કોચ તરીકે પ્રમોટ કર્યા છે.
જોબર્ગ સુપર કિંગ્સના માલિકી સમૂહે જણાવ્યું કે મોર્કેલે ખેલાડીઓના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તેઓ ટીમની કાર્યશૈલીને સારી રીતે સમજે છે. ક્લબના ડિરેક્ટર કે.એસ. વિશ્વનાથને પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ વિશે મોર્કેલનું જ્ઞાન ટીમને નવી ઊંચાઈએ લઈ જશે.
નિયુક્તિ બાદ અલ્બી મોર્કેલે કહ્યું કે સુપર કિંગ્સની જર્સી પહેરનાર ખેલાડીથી લઈને હવે મુખ્ય કોચ બનવાનો પ્રવાસ તેના માટે ખૂબ જ ખાસ છે. તેણે ટીમના મજબૂત પાયાને આગળ વધારીને SA20માં સફળતા અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
ઉલ્લેખનીય છે કે અલ્બી મોર્કેલે 2004થી 2015 દરમિયાન દક્ષિણ આફ્રિકા માટે 1 ટેસ્ટ, 58 વન-ડે અને 50 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી. ઉપરાંત તેણે 319 ટી20 મેચોમાં 4,000થી વધુ રન બનાવ્યા અને લગભગ 250 વિકેટ ઝડપી હતી. હવે તેની સામે SA20 2027માં જોબર્ગ સુપર કિંગ્સને પ્રથમ વખત ચેમ્પિયન બનાવવાનો પડકાર રહેશે.
Albie Morkel has been appointed as the new Head Coach of Joburg Super Kings for the upcoming SA20 season.#AlbieMorkel #SA20 #JSK pic.twitter.com/kLuQpga9TH
— CricTracker (@Cricketracker) July 30, 2026

