બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મહિલા એશિયા કપ 2026 અને એશિયન ગેમ્સ 2026 માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બંને ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની મહિલા ટીમનું નેતૃત્વ નિગાર સુલતાના જ્યોતિ કરશે, જ્યારે નાહિદા અક્તરને ઉપ-કેપ્ટન બનાવવામાં આવી છે. આ ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે કેટલાક યુવા ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ટીમની જાહેરાતમાં સૌથી મોટું નામ શર્મિન સુલતાનાની વાપસીનું છે. શર્મિન લાંબા સમય બાદ ફરી રાષ્ટ્રીય ટીમમાં પરત ફરી છે. તેને તાજ નેહરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવી છે. પસંદગીકારોનું માનવું છે કે શર્મિનનો અનુભવ ટીમના ટોપ ઓર્ડરને મજબૂતી આપી શકે છે.
બાંગ્લાદેશની 15 સભ્યોની ટીમમાં નિગાર સુલતાના જ્યોતિ, નાહિદા અક્તર, દિલારા અક્તર, જુઈરિયા ફરદૌસ, શર્મિન અક્તર સુપ્તા, શર્મિન સુલતાના, સોબહાના મોસ્ટારી, શોર્ના અક્તર, રિતુ મોની, ફહિમા ખાતૂન, રાબેયા ખાન, મારુફા અક્તર, સુલતાના ખાતૂન, શાંજીદા અક્તર મેઘલા અને ફરીહા ઇસ્લામ ત્રિશ્નાનો સમાવેશ થાય છે.
મહિલા એશિયા કપ 28 ઓગસ્ટથી દુબઈમાં શરૂ થશે. બાંગ્લાદેશને ગ્રુપ-Bમાં ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને UAE સાથે રાખવામાં આવ્યું છે. બાંગ્લાદેશ 31 ઓગસ્ટે ઇન્ડોનેશિયા સામે પ્રથમ મેચ રમશે. ત્યારબાદ 6 સપ્ટેમ્બરે શ્રીલંકા અને 8 સપ્ટેમ્બરે UAE સામે મુકાબલો થશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 13 સપ્ટેમ્બરે રમાશે.
એશિયા કપ બાદ બાંગ્લાદેશની ટીમ જાપાનના આઇચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેશે. 17 સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો ચીન સામે થશે. જો બાંગ્લાદેશ સેમિફાઇનલમાં પહોંચશે તો ભારત અથવા જાપાનમાંથી કોઈ એક ટીમ સામે રમવાની શક્યતા છે. ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલની મેચ 22 સપ્ટેમ્બરે યોજાશે.
આ બંને મહત્વની સ્પર્ધાઓ માટે બાંગ્લાદેશે એક જ ટીમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે નિગાર સુલતાના જ્યોતિની આગેવાની હેઠળની ટીમનું લક્ષ્ય એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરીને એશિયન ગેમ્સમાં પણ મેડલ જીતવાનું રહેશે.
🚨 NEWS ALERT 🚨
Bangladesh have announced their squad for the Women’s Asia Cup! 🏏🔥#Cricket #AsiaCup #Bangladesh pic.twitter.com/aWZTfnnLGx
— Sportskeeda (@Sportskeeda) August 17, 2026

