T-20

ભારત સામે મેચથી શરૂઆત કરશે પાકિસ્તાન

Pakistan Cricket Board એ મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાન મહિલા ટીમની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 12 જૂનથી 5 જુલાઈ સુધી રમાનાર આ મેગા ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમની કમાન ફરી એકવાર Fatima Sana ને સોંપવામાં આવી છે. ફાતિમા સતત બીજી વખત મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આગેવાની કરશે.

ટીમમાં સૌથી મોટો ફેરફાર ઝડપી બોલર Diana Baig ની વાપસી રૂપે જોવા મળ્યો છે. તેને અંબર કાયનાતના સ્થાને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવી છે. બાકીની ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આ જ ટીમે તાજેતરમાં ઘરઆંગણે ઝિમ્બાબ્વે સામે T20 સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ નોંધાવ્યો હતો.

પાકિસ્તાન મહિલા ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 14 જૂને ભારત સામે કરશે. બંને ટીમો વચ્ચેનો હાઈવોલ્ટેજ મુકાબલો એજબેસ્ટનમાં રમાશે. ત્યારબાદ પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ સામે અનુક્રમે 17, 20, 23 અને 27 જૂને મેદાનમાં ઉતરશે. આ તમામ ટીમો ગ્રુપ-Aમાં સામેલ છે.

વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાન ટીમ આયર્લેન્ડમાં યોજાનારી T20 ટ્રાય-સિરીઝમાં પણ ભાગ લેશે. 28 મેથી 4 જૂન સુધી ચાલનારી આ સીરિઝમાં પાકિસ્તાનનો સામનો આયર્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સામે થશે. આ સીરિઝ દ્વારા ટીમને વર્લ્ડ કપ પહેલાં મહત્વપૂર્ણ તૈયારી કરવાનો મોકો મળશે. ઉપરાંત પાકિસ્તાન ટીમ 6 જૂને શ્રીલંકા અને 9 જૂને સ્કોટલેન્ડ સામે બે વોર્મ-અપ મેચ પણ રમશે.

પાકિસ્તાન સ્ક્વોડ: ફાતિમા સના (કપ્તાન), આલિયા રિયાઝ, આયશા જફર, ડાયના બેગ, ઐમાન ફાતિમા, ગુલ ફિરોઝા, ઇરમ જાવેદ, મુનીબા અલી સિદ્દીકી (વિકેટકીપર), નશરા સંધૂ, નતાલિયા પરવેઝ, રામીન શમીમ, સાદિયા ઇકબાલ, સાયરા જબીન, તસ્મિયા રૂબાબ અને તૂબા હસન.

Exit mobile version