પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે 2026નું વર્ષ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝ પૂર્ણ થયા બાદ હવે ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડના લાંબા પ્રવાસ પર જવાની તૈયારીમાં છે. આ પ્રવાસો આગામી ICC ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ મુજબ પાકિસ્તાન ટીમ જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન બંને ટીમો વચ્ચે ટેસ્ટ તેમજ વ્હાઇટ-બોલ ક્રિકેટની સિરીઝ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના સત્તાવાર શેડ્યૂલ અનુસાર 25 જુલાઈથી પ્રથમ ટેસ્ટ શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ 2 ઓગસ્ટથી રમાશે. આ મુકાબલાઓ ટ્રિનિડાડ અને પોર્ટ ઓફ સ્પેનમાં યોજાશે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ પાકિસ્તાન ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે જશે. ક્રિકેટ શેડ્યૂલ અનુસાર આ સિરીઝ 19 ઓગસ્ટથી શરૂ થશે અને સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં વનડે અને T20 મુકાબલાઓનો સમાવેશ થવાની સંભાવના છે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં રમવું હંમેશા એશિયન ટીમો માટે પડકારરૂપ માનવામાં આવે છે, તેથી પાકિસ્તાન માટે આ પ્રવાસ ખાસ મહત્વ ધરાવે છે.
તાજેતરમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝ માટે પણ પોતાની ટીમ જાહેર કરી હતી, જેમાં બાબર આઝમની વાપસી થઈ છે, જ્યારે મોહમ્મદ રિઝવાનને બહાર રાખવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે ટીમ મેનેજમેન્ટ નવા કોમ્બિનેશન સાથે આગળ વધવા માગે છે.
આગામી મહિનાોમાં સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કારણે પાકિસ્તાનના ખેલાડીઓ માટે ફિટનેસ અને ફોર્મ જાળવવું સૌથી મોટો પડકાર રહેશે. ક્રિકેટ ચાહકો હવે આ બંને મોટા પ્રવાસોમાં પાકિસ્તાની ટીમના પ્રદર્શન પર નજર રાખશે.

