ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં એક નવી સ્ટારનો ઉદય થયો છે. ઉત્તરાખંડની 24 વર્ષીય લેગ-સ્પિનર પ્રેમા રાવતે મહિલા T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન દક્ષિણ આફ્રિકા સામે સીધું જ આંતરરાષ્ટ્રીય T20 ડેબ્યૂ કરીને ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. સામાન્ય રીતે ખેલાડીઓ પહેલા દ્વિપક્ષીય શ્રેણીઓમાં ડેબ્યૂ કરે છે, પરંતુ પ્રેમાને સીધા વિશ્વ કપ જેવા મોટા મંચ પર તક મળી, જેના કારણે તે એક ખાસ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
પ્રેમા રાવતને ભારતીય ટીમમાં ત્યારે સ્થાન મળ્યું જ્યારે ઓફ-સ્પિનર શ્રેયંકા પાટીલ પગની ઘૂંટીની ઇજાના કારણે સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ ICCની ટેક્નિકલ કમિટીએ પ્રેમાને સત્તાવાર રીતે ભારતીય ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી હતી.
બાગેશ્વર જિલ્લાના એક નાના ગામથી આવતી પ્રેમાની સફર ખૂબ પ્રેરણાદાયક રહી છે. ક્રિકેટ પહેલાં તેણે એથ્લેટિક્સ અને હોકીમાં પણ હાથ અજમાવ્યો હતો. જોકે પિતાની સલાહ બાદ તેણે ક્રિકેટને કારકિર્દી તરીકે પસંદ કર્યું અને પોતાની મહેનતના બળે આજે ભારતીય ટીમ સુધી પહોંચી છે.
પ્રેમાએ ઘરેલુ ક્રિકેટ અને મહિલા પ્રીમિયર લીગ (WPL)માં પોતાની બોલિંગથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. 2026 મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં તેણે 8 વિકેટ ઝડપી પોતાની પ્રતિભા સાબિત કરી હતી.
દક્ષિણ આફ્રિકા સામેના મુકાબલામાં જ્યારે તેને ભારતીય કેપ મળી ત્યારે તે ક્ષણ તેના માટે જ નહીં પરંતુ સમગ્ર ઉત્તરાખંડ માટે ગૌરવની બની. વિશ્વ કપ જેવા મોટા મંચ પર ડેબ્યૂ કરવું કોઈપણ ખેલાડી માટે સપના સમાન હોય છે અને પ્રેમા રાવતે આ સપનાને હકીકતમાં બદલી બતાવ્યું છે. હવે ભારતીય ચાહકોને આશા રહેશે કે આ યુવા સ્પિનર આગામી મેચોમાં પોતાની છાપ વધુ મજબૂત બનાવશે.
Prema Rawat makes her India debut 🇮🇳 👏
She had earlier replaced Shreyanka Patil in the squad. After playing in two WPL seasons for the Royal Challengers Bengaluru, this is Rawat’s first call-up to the national side. pic.twitter.com/IECTqioF7g
— Cricinfo (@ESPNcricinfo) June 21, 2026

