T-20

સદાગોપ્પન રમેશે સિલેક્ટર્સ પર સાધ્યું નિશાન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સદાગોપ્પન રમેશે યુવા ઝડપી બોલર હર્ષિત રાણાની ભારતીય ટીમમાં પસંદગીને લઈને સિલેક્ટર્સ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રમેશનું માનવું છે કે ઘૂંટણની સર્જરી બાદ હર્ષિત રાણા સંપૂર્ણ રીતે ફિટ થયા વગર જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેના કારણે હવે તેને ફરી ઈજાનો સામનો કરવો પડ્યો છે.

રમેશે જણાવ્યું કે, “હર્ષિત રાણાએ સર્જરી બાદ પોતાની સંપૂર્ણ ફિટનેસ ક્યાં સાબિત કરી હતી કે તેને સીધા ભારતીય ટીમમાં સ્થાન મળી ગયું? જો કોઈ ખેલાડી ઘૂંટણની સર્જરી બાદ સંપૂર્ણ રીતે સાજો ન થયો હોય તો પછી હેમસ્ટ્રિંગ અથવા ક્વાડ જેવી ઈજાઓ થવાની શક્યતા વધી જાય છે, અને હર્ષિત સાથે પણ એવું જ બન્યું છે.”

તેણે વધુમાં કહ્યું કે હર્ષિત રાણા જ્યારે ભારતીય ટીમમાં પરત ફર્યા ત્યારે તેઓ 100 ટકા ફિટ નહોતા. આ ઘટના એ દર્શાવે છે કે ભારતીય ક્રિકેટમાં અલગ-અલગ ખેલાડીઓ માટે પસંદગી અને ફિટનેસના માપદંડ અલગ રાખવામાં આવે છે. રમેશના મતે, જો ભારતીય ટીમને સતત સારા પરિણામો મેળવવા હોય તો પસંદગી પ્રક્રિયામાં એકસરખા નિયમો અને પારદર્શિતા હોવી જરૂરી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટરે એ પણ દાવો કર્યો કે હર્ષિત રાણાને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો હતો અને ટીમની જાહેરાત પણ તેની નવી ઈજાની માહિતી સામે આવે તે પહેલાં થઈ ગઈ હતી. તેમના મતે આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે પસંદગીકારોને પહેલેથી જ ખબર હતી કે હર્ષિત સતત બે શ્રેણી રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર નહોતા.

જોકે રમેશે સ્પષ્ટ કર્યું કે તેની ટિપ્પણી હર્ષિત રાણાની પ્રતિભા અથવા ક્ષમતા સામે નથી. તેણે કહ્યું કે હર્ષિત એક પ્રતિભાશાળી બોલર છે, પરંતુ ખેલાડીઓની પસંદગીમાં ફિટનેસને લઈને દરેક માટે સમાન માપદંડ અપનાવવો જોઈએ. હવે રમેશના આ નિવેદન બાદ ભારતીય ટીમની પસંદગી પ્રક્રિયા અને ફિટનેસ નીતિ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.

Exit mobile version