T-20

ભારત-પાકિસ્તાન મેચમાં દેખાડ્યો અદભૂત ફિલ્ડિંગ કરિશ્મો

ભારતીય મહિલા ટીમે મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામે 64 રને જબરદસ્ત જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી, પરંતુ આ મેચમાં માત્ર બેટિંગ અને બોલિંગ જ નહીં, ફિલ્ડિંગ પણ ચર્ચાનું કેન્દ્ર બની. ખાસ કરીને ભારતીય ઓલરાઉન્ડર શ્રેયંકા પાટીલે લીધેલો અદભૂત ડાઇવિંગ કેચ ક્રિકેટ ચાહકો માટે યાદગાર ક્ષણ બની ગયો.

પાકિસ્તાનની ઇનિંગ્સ દરમિયાન 15મી ઓવરમાં આ શાનદાર ક્ષણ જોવા મળી. સ્પિનર શ્રી ચારણીની બોલિંગ પર પાકિસ્તાનની બેટર રમીન શમીમે કવર વિસ્તાર તરફ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોલ બેટના બહારના ભાગે લાગી બેકવર્ડ પોઈન્ટ તરફ ગયો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલી શ્રેયંકા પાટીલે વીજળી જેવી ઝડપથી પોતાની જમણી તરફ દોડ લગાવી અને હવામાં સંપૂર્ણ લંબાઈ સુધી ડાઇવ મારી બોલને જમીનથી થોડા ઇંચ ઉપર જ પકડી લીધો. અમ્પાયરે કેચને માન્ય જાહેર કરતા જ ભારતીય ખેલાડીઓ ઉજવણીમાં મગ્ન થઈ ગયા.

શ્રેયંકાનો આ કેચ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો તેને અત્યાર સુધીના ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ કેચમાંથી એક ગણાવી રહ્યા છે. આ કેચે પાકિસ્તાનની ઇનિંગ્સને વધુ દબાણમાં ધકેલી દીધી હતી અને ભારતને મેચ પર સંપૂર્ણ નિયંત્રણ અપાવ્યું હતું.

મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાની 68 રનની શાનદાર ઇનિંગ્સના આધારે 170/6નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ 106 રનમાં સમેટાઈ ગઈ હતી. દીપ્તિ શર્માએ માત્ર 10 રન આપી 5 વિકેટ ઝડપી મેચનો રંગ બદલી નાખ્યો હતો. ભારતની આ જીતમાં શ્રેયંકાની શાનદાર ફિલ્ડિંગ પણ મહત્વનું યોગદાન સાબિત થઈ.

Exit mobile version