T-20

શ્રેયસ અય્યર બનશે ભારતના ટી20 ઇતિહાસના 15મા કેપ્ટન

ભારતીય ક્રિકેટમાં એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર હવે ભારતીય ટી20 ટીમની કમાન સંભાળવા તૈયાર છે. આયર્લેન્ડ સામેની બે મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીથી અય્યર પ્રથમ વખત ભારતની ટી20 ટીમના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે. આ સાથે તે ભારતના ટી20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસના 15મા કેપ્ટન બનશે.

તાજેતરમાં ભારતે સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટી20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો હતો. જોકે હવે ટીમ મેનેજમેન્ટે નવા ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કરતાં શ્રેયસ અય્યરને આ મહત્વની જવાબદારી સોંપી છે. તેના નેતૃત્વ હેઠળ ટીમ નવી દિશામાં આગળ વધશે તેવી અપેક્ષા છે.

ભારત માટે અત્યાર સુધી ટી20માં કુલ 14 ખેલાડીઓએ કેપ્ટનશિપ કરી છે. આ યાદીમાં વીરેન્દ્ર સેહવાગ, મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલનો સમાવેશ થાય છે. હવે શ્રેયસ અય્યર આ પ્રતિષ્ઠિત યાદીમાં પોતાનું નામ ઉમેરશે.

શ્રેયસ અય્યરે આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સફળ કેપ્ટન તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેની શાંત વિચારસરણી, આક્રમક નિર્ણયો અને ખેલાડીઓ સાથેના સારા સંવાદને કારણે તેઓ લાંબા સમયથી ભારતની ટી20 કપ્તાની માટે દાવેદાર માનવામાં આવતા હતા.

આયર્લેન્ડ પ્રવાસ માત્ર નવી સિરીઝ નહીં પરંતુ ભારતીય ટી20 ટીમ માટે નવા યુગની શરૂઆત પણ માનવામાં આવી રહ્યો છે. તમામની નજર હવે શ્રેયસ અય્યરની કપ્તાની અને તેના નેતૃત્વમાં ટીમના પ્રદર્શન પર રહેશે.

Exit mobile version