વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર Kieron Pollardએ ટી20 ક્રિકેટમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મેજર લીગ ક્રિકેટ (MLC) 2026 દરમિયાન પોલાર્ડે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો અને આ સાથે તેણે પોતાના જ દેશના દિગ્ગજ બેટ્સમેન Chris Gayleને પાછળ છોડી દીધા.
MI ન્યૂયોર્ક તરફથી રમતા પોલાર્ડે વોશિંગ્ટન ફ્રીડમ સામે શાનદાર સદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે ગેલના સૌથી વધુ ટી20 રનના રેકોર્ડને પાર કર્યો. લાંબા સમયથી આ રેકોર્ડ ગેલના નામે હતો અને ક્રિકેટ જગતમાં તેને એક અદભૂત સિદ્ધિ માનવામાં આવતી હતી.
રેકોર્ડ પોતાના નામે કર્યા બાદ પોલાર્ડે ખૂબ જ ભાવુક પ્રતિક્રિયા આપી. મેચ પછી તેણે કહ્યું કે, “ક્રિસ ગેલ એવા ખેલાડી છે જેમને અમે વર્ષો સુધી આદર્શ માન્યા છે. તેમને પાછળ છોડવું મારા માટે ખાસ ક્ષણ છે. તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં અસાધારણ યોગદાન આપ્યું છે. સોરી યુનિવર્સ બોસ, પરંતુ હવે આપણે બંને ટોચ પર છીએ.” પોલાર્ડના આ નિવેદનની સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા થઈ રહી છે.
ખાસ વાત એ છે કે પોલાર્ડે પોતાની કારકિર્દીનો મોટાભાગનો સમય મધ્યક્રમમાં બેટિંગ કરતાં પસાર કર્યો છે, જ્યારે ટી20 ક્રિકેટના ટોચના રનસ્કોરરોમાં મોટા ભાગના ખેલાડીઓ ઓપનર રહ્યા છે. આ કારણસર તેની સિદ્ધિને વધુ વિશેષ માનવામાં આવી રહી છે.
ભલે પોલાર્ડની સદી ટીમને જીત અપાવી શકી નહીં હોય, પરંતુ તેણે ટી20 ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે. ગેલ અને પોલાર્ડ બંને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના મહાન દિગ્ગજો ગણાય છે અને હવે ટી20 ક્રિકેટના ઇતિહાસમાં આ બંનેના નામ સૌથી ઉપર જોવા મળે છે.
Kieron Pollard overtakes Chris Gayle to become the highest run-scorer in T20 cricket history 🔥🏏#KieronPollard #ChrisGayle #T20 #InsideSport #Cricket pic.twitter.com/lJC4X3uqQM
— InsideSport (@InsideSportIND) June 22, 2026

