T-20

દક્ષિણ આફ્રિકાને મળ્યો નવો કેપ્ટન

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમે નામીબિયા પ્રવાસ માટે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં ટીમનું નેતૃત્વ અનુભવી સ્પિનર બ્યોર્ન ફોર્ટુઇન કરશે. ફોર્ટુઇન માટે આ જવાબદારી મહત્વપૂર્ણ છે, કારણ કે તે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાની સિનિયર ટીમનું નેતૃત્વ કરશે.

દક્ષિણ આફ્રિકાની ટીમ 28 ઓગસ્ટથી વિન્ડહોકમાં નામીબિયા અને ઝિમ્બાબ્વે સાથે T20 ટ્રાઇ-સિરીઝ રમશે. ત્યારબાદ નામીબિયા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. આ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. એઇડન માર્કરમ અને ટેમ્બા બાવુમા સહિત પ્રથમ પસંદગીની ટીમના મોટા ભાગના ખેલાડીઓ આ પ્રવાસમાં સામેલ નથી. દક્ષિણ આફ્રિકાના કોચ શુક્રી કોનરાડે યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ અપાવવાના હેતુથી આ નિર્ણય લીધો છે.

આ પ્રવાસમાં સૌથી વધુ ચર્ચામાં ડુઆન જાનસેનનું નામ છે. માર્કો જાનસેનના ટ્વિન ભાઈ ડુઆનને પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત એથન બોશ, કોનર એસ્ટરહ્યુઝન, જોર્ડન હર્મન અને નકોબાની મોકોએનાને પણ તક મળી છે. ઝડપી બોલર ક્વેના મફાકા અને ઓપનર લુઆન-ડ્રે પ્રિટોરિયસ પણ ટીમનો ભાગ છે.

ફોર્ટુઇનની કેપ્ટનશિપમાં આ યુવા ટીમ માટે નામીબિયા પ્રવાસ પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની શકે છે. દક્ષિણ આફ્રિકા આગામી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત કરવા માંગે છે. તેથી આ પ્રવાસમાં નવા ખેલાડીઓના પ્રદર્શન પર ખાસ નજર રહેશે.

Exit mobile version