ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ને લઈને ક્રિકેટ જગતમાં ઉત્સાહ વધતો જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થવા પહેલા અત્યાર સુધીમાં 11 ટીમોએ પોતાની સત્તાવાર સ્ક્વોડ જાહેર કરી દીધી છે, જ્યારે માત્ર શ્રીલંકાની ટીમે હજી સુધી પોતાના ખેલાડીઓના નામ જાહેર કર્યા નથી.
આ વર્લ્ડ કપનું આયોજન ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 12 જૂનથી 5 જુલાઈ દરમિયાન થવાનું છે. આ વખતે કુલ 12 ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે અને અનેક ટીમોએ યુવા તથા અનુભવી ખેલાડીઓનું સંયોજન પસંદ કર્યું છે.
ભારતીય મહિલા ટીમમાં અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. નંદિની શર્મા, ભારતી ફુલમાલી, કૃાંતિ ગૌડ અને શ્રી ચરણી જેવી યુવા ખેલાડીઓ પ્રથમ વખત મહિલા T20 વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે. તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમનો આત્મવિશ્વાસ પણ ઊંચો છે.
વેસ્ટ ઇન્ડિઝે હેલી મેથ્યુઝની કપ્તાની હેઠળ મજબૂત ટીમ જાહેર કરી છે, જેમાં ડિએન્ડ્રા ડોટિન અને સ્ટેફાની ટેલર જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ જેવી ટીમોએ પણ સંતુલિત સ્ક્વોડ પસંદ કર્યા છે.
આ ટૂર્નામેન્ટ ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે મહિલા ક્રિકેટમાં પ્રથમ વખત 12 ટીમો ભાગ લઈ રહી છે. નેધરલેન્ડ્સ જેવી નવી ટીમો પણ આ વખતે વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે.
હવે તમામ ક્રિકેટ ચાહકોની નજર શ્રીલંકાની સ્ક્વોડ જાહેરાત પર રહેશે, કારણ કે ટૂર્નામેન્ટ શરૂ થવા માટે હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે.
