T-20

સૂર્યકુમારનો યુગ થયો ખતમ!

ભારતીય ક્રિકેટમાં એક મોટો બદલાવ જોવા મળ્યો છે. BCCIએ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની T20 શ્રેણી તેમજ એશિયન ગેમ્સ 2026 માટેની ટીમ જાહેર કરતાં શ્રેયસ અય્યરને નવા T20 કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. આ સાથે જ અત્યાર સુધી ટીમનું નેતૃત્વ કરી રહેલા સૂર્યકુમાર યાદવને માત્ર કેપ્ટનશિપમાંથી જ નહીં, પરંતુ ટીમમાંથી પણ બહાર રાખવામાં આવ્યા છે.

ટીમની જાહેરાત બાદ મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આ નિર્ણય પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું. અગરકરે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રેયસ અય્યરે વિવિધ ટીમો અને ફ્રેન્ચાઇઝીઓ માટે સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. તાજેતરમાં તેણે પોતાની ટીમને ખિતાબ અપાવ્યો હતો અને વ્યક્તિગત રીતે પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેથી તેઓ કેપ્ટનશિપના સૌથી મજબૂત દાવેદારોમાં સામેલ હતા.

અગરકરે વધુમાં કહ્યું કે સૂર્યકુમાર વિશે નિર્ણય લેવો સરળ નહોતો. જોકે તેની તાજેતરની ફોર્મ એક મહત્વપૂર્ણ પરિબળ હતી. સાથે જ પસંદગી સમિતિએ આગામી બે વર્ષના ચક્ર અને ટીમના લાંબા ગાળાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધવાનો નિર્ણય લીધો. તેના મતે શ્રેયસ અય્યર આ જવાબદારી માટે સંપૂર્ણપણે લાયક છે.

ખાસ વાત એ છે કે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપનો રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો છે. તેના નેતૃત્વ હેઠળ ભારતે T20 ક્રિકેટમાં અનેક યાદગાર જીતો મેળવી હતી અને ટીમે એક પણ દ્વિપક્ષીય શ્રેણી ગુમાવી નહોતી. તેમ છતાં પસંદગીકારોએ હવે નવી દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

બીજી તરફ, 15 વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશીને પ્રથમ વખત સિનિયર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે તિલક વર્માને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ ફેરફારો દર્શાવે છે કે ભારતીય ટીમ હવે આગામી T20 વર્લ્ડ કપ અને ભવિષ્યની ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને નવી લીડરશિપ કોર તૈયાર કરી રહી છે.

Exit mobile version