ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સપ્ટેમ્બર 2026માં યોજાનારી વનડે અને ટી20 શ્રેણીને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. બાંગ્લાદેશ સરકારના યુવા અને રમતગમત રાજ્યમંત્રી અમીનુલ હકે જણાવ્યું છે કે તેની સરકાર ભારતીય ક્રિકેટ ટીમના પ્રવાસની આતુરતાથી રાહ જોઈ રહી છે અને આ શ્રેણી બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
અમીનુલ હકે કહ્યું કે રમતગમત માત્ર સ્પર્ધાનું માધ્યમ નથી, પરંતુ દેશો વચ્ચે મિત્રતા અને વિશ્વાસ વધારવાનો એક અસરકારક રસ્તો પણ છે. તેણે જણાવ્યું કે ભારતના દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહીને તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આશા છે કે ભારતીય ટીમ નિર્ધારિત કાર્યક્રમ મુજબ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરશે.
ઉલ્લેખનીય છે કે આ પ્રવાસ મૂળ વર્ષ 2025માં યોજાવાનો હતો, પરંતુ બંને દેશો વચ્ચે સર્જાયેલા રાજદ્વારી તણાવને કારણે તેને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ શ્રેણીનું પુનઃ આયોજન કરીને સપ્ટેમ્બર 2026માં ત્રણ વનડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાવાની જાહેરાત કરી હતી.
તાજેતરમાં મીડિયા અધિકારોની પ્રક્રિયામાં વિલંબ થતાં શ્રેણીના આયોજન અંગે કેટલીક અટકળો ઊભી થઈ હતી. જોકે, BCBએ સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડશે તો ભારતીય ટીમ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. બાંગ્લાદેશ સરકારનું માનવું છે કે આ શ્રેણી માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ બંને પડોશી દેશો વચ્ચે વિશ્વાસ અને સહયોગને વધુ મજબૂત બનાવશે.
હવે ક્રિકેટ ચાહકોની નજર બંને ક્રિકેટ બોર્ડની અંતિમ જાહેરાત પર છે. જો તમામ આયોજન મુજબ આગળ વધશે તો સપ્ટેમ્બર 2026માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની રોમાંચક શ્રેણી જોવા મળશે, જે ક્રિકેટ સાથે બંને દેશોના સંબંધો માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
Big update on India’s Bangladesh tour! 🇮🇳🇧🇩https://t.co/7Wm3X0Tlrs#INDvsBAN #IndiaTourOfBangladesh #TeamIndia #BangladeshCricket #BCCI #CricketNews #CricketUpdates #IndianCricket #CricketFans pic.twitter.com/ziNgJjHMBV
— SPORTS WIZ (@mysportswiz) July 21, 2026

