ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ઓલરાઉન્ડર Suzie Bates ફરી એકવાર ચર્ચામાં આવી છે. મહિલા T20 વર્લ્ડ કપ 2026 પહેલા તેના નામે નોંધાયેલો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુજી બેટ્સ દુનિયાની એવી એકમાત્ર મહિલા ખેલાડી છે, જેણે ખેલાડી તરીકે T20 વર્લ્ડ કપ જીત્યો હોવા ઉપરાંત ઓલિમ્પિક્સમાં પણ ભાગ લીધો છે.
બેટ્સે 2008ના બેઇજિંગ ઓલિમ્પિક્સમાં ન્યૂઝીલેન્ડ માટે બાસ્કેટબોલ રમતાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે સમયે તેઓ બાસ્કેટબોલ અને ક્રિકેટ બંને રમતોમાં સક્રિય હતી. વર્ષ 2011 સુધી તેણે બંને રમતોને સાથે સંભાળી, પરંતુ ત્યારબાદ ક્રિકેટમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય તેમની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.
ક્રિકેટમાં સુજી બેટ્સનો રેકોર્ડ અદ્ભુત રહ્યો છે. મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં તેઓ ટોચના સ્થાન પર રહી ચૂકી છે. તેની સતત પ્રદર્શન ક્ષમતા અને લાંબા સમય સુધી ટીમ માટે આપેલા યોગદાનને કારણે તેઓ મહિલા ક્રિકેટની સૌથી સફળ ખેલાડીઓમાં ગણાય છે.
બેટ્સે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે મહિલા T20 વર્લ્ડ કપ 2026 બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. તેથી આ ટૂર્નામેન્ટ તેમના કરિયરની છેલ્લી વૈશ્વિક સ્પર્ધા બનવાની છે. ક્રિકેટપ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે આ દિગ્ગજ ખેલાડી પોતાના કરિયરને યાદગાર રીતે પૂર્ણ કરશે.

