T-20

લાડુ વહેંચવામાં આવ્યા અને ફટાકડા ફોડવામાં આવ્યા

ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર Vaibhav Suryavanshiની ટીમ ઈન્ડિયામાં પસંદગી થતાં તેમના વતન બિહારના તાજપુરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં સ્થાન મેળવનારા વૈભવની આ સિદ્ધિએ સમગ્ર ગામ અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તેની પસંદગીની જાહેરાત થતાં જ પરિવારજનો, મિત્રો અને ચાહકો તેમના ઘરે એકત્ર થયા અને ઉજવણી શરૂ કરી દીધી હતી.

વૈભવના ઘરે લોકોનો સતત ધસારો જોવા મળ્યો હતો. ગામલોકોએ એકબીજાને લાડુ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે અનેક સ્થળોએ ફટાકડા ફોડીને આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર તાજપુરમાં “વૈભવ, વૈભવ”ના નારા ગુંજી ઉઠ્યા હતા અને લોકો તેને બિહાર ક્રિકેટ માટેનો ગૌરવપૂર્ણ દિવસ ગણાવી રહ્યા હતા.

વૈભવ સૂર્યવંશી છેલ્લા બે વર્ષથી સતત પોતાના પ્રદર્શનથી ચર્ચામાં રહ્યા છે. IPLમાં શાનદાર બેટિંગ, અંડર-19 વર્લ્ડ કપમાં વિસ્ફોટક પ્રદર્શન અને ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવવાના કારણે તેઓ પસંદગીકારોની નજરમાં આવ્યા હતા. તેની આ મહેનતનું ફળ હવે ટીમ ઈન્ડિયામાં સ્થાન રૂપે મળ્યું છે.

વૈભવના પરિવારજનો પણ આ પ્રસંગે ભાવુક બન્યા હતા. તેના માતા-પિતાએ જણાવ્યું કે પુત્રે બાળપણથી જ ક્રિકેટર બનવાનું સપનું જોયું હતું અને આજે તે સપનું સાકાર થયું છે. ગામના યુવા ખેલાડીઓ માટે પણ વૈભવ પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. તાજપુરના લોકોનું માનવું છે કે આ તો વૈભવની કારકિર્દીની માત્ર શરૂઆત છે અને આગામી વર્ષોમાં તે ભારતીય ક્રિકેટનો મોટો સ્ટાર બની શકે છે.

Exit mobile version