3 જુલાઈ 2018નો દિવસ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાયેલો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે ઝિમ્બાબ્વે સામે હરારેમાં એવી તોફાની બેટિંગ કરી હતી કે વિશ્વ ક્રિકેટ ચોંકી ગયું હતું. ફિન્ચે માત્ર 76 બોલમાં 172 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી, જે આજે પણ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેનનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે.
ફિન્ચની આ યાદગાર ઇનિંગ્સમાં 16 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થતો હતો. તેણે 226થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને ઝિમ્બાબ્વેના બોલરોને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધા હતા. તેની આ ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 229 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો.
આ મેચમાં ફિન્ચ અને ડી’આર્સી શોર્ટે પ્રથમ વિકેટ માટે 223 રનની ભાગીદારી નોંધાવી હતી. તે સમયે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ વિકેટ માટેની આ સૌથી મોટી ભાગીદારી હતી. શોર્ટે 46 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે આખી મેચ પર ફિન્ચની આક્રમક બેટિંગ છવાઈ ગઈ હતી.
રસપ્રદ વાત એ છે કે ફિન્ચે પોતાનો જ જૂનો વિશ્વવિક્રમ તોડ્યો હતો. તેણે 2013માં ઇંગ્લેન્ડ સામે 156 રનની ઇનિંગ્સ રમી હતી અને ત્યારબાદ 2018માં 172 રન બનાવી પોતાનો જ રેકોર્ડ વધુ મજબૂત કર્યો હતો. આજ સુધી અનેક વિસ્ફોટક બેટ્સમેનોએ આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કોઈ પણ ખેલાડી 172 રનના આ આંકડાને પાર કરી શક્યો નથી.
ઝિમ્બાબ્વે સામે ઓસ્ટ્રેલિયાએ આ મેચ 100 રનના વિશાળ અંતરથી જીતી હતી. ફિન્ચની આ ઇનિંગ્સને ટી20 ક્રિકેટની સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત બેટિંગ પ્રદર્શનોમાંની એક માનવામાં આવે છે અને આજે પણ ક્રિકેટપ્રેમીઓ તેને યાદ કરીને રોમાંચિત થઈ જાય છે.
#OnThisDay in 2018, Aaron Finch broke the record for the highest score in T20Is as he smashed 172 off 76 balls against Zimbabwe.
Eight years later, the record still stands. Who could possibly break it from the current lot? 🤔 pic.twitter.com/WHdUJIsmeo
— Cricbuzz (@cricbuzz) July 3, 2026

