T-20

પાકિસ્તાની ક્રિકેટરે ગુસ્સામાં પોતાનું બેટ અને ગ્લોવ્ઝ ફેંકી દીધા

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 દરમિયાન પાકિસ્તાન મહિલા ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમની ઓપનર બેટર ગુલ ફેરોઝાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા આચારસંહિતાનો ભંગ કરવા બદલ સત્તાવાર ઠપકો (Official Reprimand) આપવામાં આવ્યો છે. સાથે જ તેના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. આ ઘટના ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ગ્રુપ-એની મેચ દરમિયાન બની હતી.

ICCના જણાવ્યા અનુસાર ગુલ ફેરોઝાએ ખેલાડીઓ માટેની આચારસંહિતાના આર્ટિકલ 2.2નું ઉલ્લંઘન કર્યું હતું. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બેટ, કપડા અથવા મેદાન પરના સાધનો સાથે ગેરવર્તન કરવા સંબંધિત છે. મેચ દરમિયાન આઉટ થયા બાદ ગુસ્સામાં તેણે પોતાનો બેટ ફેંક્યો હતો, જેને ICCએ ખેલની ભાવના વિરુદ્ધનું વર્તન ગણાવ્યું.

આ લેવલ-1ના ગુનામાં ખેલાડીને સત્તાવાર ઠપકો, મેચ ફીના ભાગનો દંડ અથવા એકથી બે ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવી શકે છે. ગુલ ફેરોઝાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને મેચ રેફરી દ્વારા આપવામાં આવેલી સજા સ્વીકારી હોવાથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી નહોતી.

નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પાકિસ્તાનનો દેખાવ પણ અત્યંત નિરાશાજનક રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર ઉભો કર્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર 86 રનમાં સમેટાઈ ગઈ હતી અને તેને 113 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ પર દબાણ વધ્યું છે અને હવે ગુલ ફેરોઝા પર લાગેલી ICCની સજાએ પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે.

Exit mobile version