T-20

વોર્મ-અપ દરમિયાન ચહેરો છુપાવતો વીડિયો થયો વાયરલ

ભારતીય ક્રિકેટનો યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે તેનું કારણ તેની બેટિંગ નહીં, પરંતુ મેદાન બહારની એક નિર્દોષ અને ભાવુક ક્ષણ છે. ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી પહેલાં ભારતીય ટીમના વોર્મ-અપ સેશન દરમિયાન વૈભવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં ચાહકોનો જબરદસ્ત ઉત્સાહ જોઈને તે શરમાઈ જાય છે અને પોતાની હૂડીથી ચહેરો છુપાવતો જોવા મળે છે. આ દ્રશ્યએ ક્રિકેટપ્રેમીઓનું દિલ જીતી લીધું છે.

વીડિયોમાં ભારતીય ટીમના ટ્રેનિંગ કિટમાં સજ્જ વૈભવ મેદાનની આસપાસ વોર્મ-અપ કરી રહ્યો હતો. તે દરમિયાન સ્ટેન્ડમાં હાજર ચાહકોએ જોરદાર અવાજે તેનું નામ બોલાવવાનું શરૂ કર્યું. ચાહકોનો આ પ્રેમ અને ઉત્સાહ જોઈને 15 વર્ષીય વૈભવ થોડો સંકોચાઈ ગયો અને હસતાં-હસતાં પોતાની હૂડીથી ચહેરો ઢાંકી દીધો. તેની આ સાદગીભરી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

વૈભવ સૂર્યવંશીએ ખૂબ ઓછી ઉંમરમાં પોતાની આક્રમક બેટિંગથી દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. IPL 2026માં તેણે 16 ઇનિંગ્સમાં 776 રન બનાવી ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. ત્યારબાદ શ્રીલંકા ‘એ’ સામે લિસ્ટ-એ ક્રિકેટના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી માત્ર 11 બોલમાં ફટકારી હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે આજે જ્યાં જાય ત્યાં ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર રહે છે.

જોકે ભારતીય ચાહકો વૈભવને દી ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમતા જોવા માંગે છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ ઉતાવળ કરવા માંગતું નથી. કેપ્ટન શ્રેયસ અય્યરે પણ સ્પષ્ટ કર્યું છે કે હાલ ટોપ ઓર્ડરમાં સ્થિરતા જાળવવામાં આવશે અને યોગ્ય સમયે વૈભવને તક આપવામાં આવશે. હાલમાં તે ટીમ સાથે અનુભવ મેળવી રહ્યો છે અને ભવિષ્યમાં ભારતીય ક્રિકેટનો મહત્વનો ખેલાડી બની શકે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Exit mobile version