ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત જોરદાર રીતે થઈ છે. ડાર્વિનના મરારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના શરૂઆતના સેશનમાં બાંગ્લાદેશના બોલર્સે યજમાન ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપ્યો છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ બાંગ્લાદેશના ઝડપી બોલર્સ સામે ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર સંઘર્ષ કરતો જોવા મળ્યો. પ્રથમ સેશનના અંત સુધી ઓસ્ટ્રેલિયાએ માત્ર 74 રનમાં ચાર મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી.
બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે શાનદાર બોલિંગ કરી. તેણે ઓપનર જેક વેધરાલ્ડને 23 રને પેવેલિયન મોકલ્યો. ત્યારબાદ તેણે ટ્રેવિસ હેડની પણ વિકેટ મેળવી. હેડ 22 રન બનાવીને બોલ્ડ થયો. ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટર માર્નસ લાબુશેને પણ ખાસ કંઈ કરી શક્યો નહીં. તે 20 બોલમાં માત્ર 1 રન બનાવીને ઇબાદત હુસેનની બોલિંગમાં નજમુલ હુસેન શાંતોના હાથે કેચ આઉટ થયો.
લંચ બ્રેક પહેલાં બાંગ્લાદેશને વધુ એક મોટી સફળતા મળી. તસ્કીન અહમદે કેમરન ગ્રીનને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો આપ્યો. આ સમયે સ્ટીવ સ્મિથ 7 રન બનાવીને ક્રિઝ પર હતો. શરૂઆતના સેશનમાં ઓસ્ટ્રેલિયાના બેટર્સ બાંગ્લાદેશની સીમ અને સ્વિંગ બોલિંગ સામે મુશ્કેલીમાં જોવા મળ્યા.
આ ટેસ્ટ બાંગ્લાદેશ માટે ખાસ મહત્વની છે, કારણ કે ટીમ 23 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ રમવા ઉતરી છે. છેલ્લે બાંગ્લાદેશે 2003માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને નાથન લાયન જેવા અનુભવી ખેલાડીઓ સાથે મજબૂત ટીમ ઉતારી છે.
હવે ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો પડકાર વિકેટ બચાવીને મોટો સ્કોર બનાવવાનો છે, જ્યારે બાંગ્લાદેશની નજર બાકી રહેલા બેટર્સને ઝડપથી પેવેલિયન મોકલીને મેચ પર શરૂઆતથી જ દબદબો જાળવી રાખવા પર રહેશે.
CHOPPED ON! Travis Head departs as Bangladesh continue the strong start. #AUSvBAN pic.twitter.com/Ue7ps3fexB
— cricket.com.au (@cricketcomau) August 13, 2026
