ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં રાહુલ દ્રવિડનું નામ હંમેશાં સન્માન સાથે લેવામાં આવે છે. પોતાની શાનદાર ટેકનિક, ધીરજ અને લાંબી ઇનિંગ્સ માટે જાણીતા દ્રવિડને ક્રિકેટ જગતમાં ‘ધ વોલ’ તરીકે ઓળખવામાં આવતા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે અનેક યાદગાર રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ તેના ત્રણ એવા રેકોર્ડ છે, જેને તોડવા આજના સમયમાં પણ અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પણ આ ત્રણેય આંકડામાં દ્રવિડથી પાછળ રહ્યા હતા.
દ્રવિડના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ છે. પોતાની ટેસ્ટ કારકિર્દીમાં તેણે કુલ 31,258 બોલનો સામનો કર્યો હતો. આ આંકડો તેની લાંબી અને ધીરજભરી બેટિંગનું સૌથી મોટું ઉદાહરણ છે.
દ્રવિડનો બીજો અનોખો રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં ક્રિઝ પર વિતાવેલા સમય સાથે જોડાયેલો છે. તેણે કુલ 44,152 મિનિટ એટલે કે લગભગ 735 કલાક બેટિંગ કરી હતી. સચિન તેંડુલકર 41,304 મિનિટ સાથે આ યાદીમાં દ્રવિડ પછી આવે છે.
ત્રીજો રેકોર્ડ પાર્ટનરશિપનો છે. દ્રવિડ ટેસ્ટ ક્રિકેટમાં 100 કે તેથી વધુ રનની 88 ભાગીદારીનો હિસ્સો રહ્યા હતા. તેમાંથી સચિન તેંડુલકર સાથે તેની 20 સદીની ભાગીદારીઓ હતી, જે પોતાનામાં એક ખાસ વિશ્વ રેકોર્ડ છે.
દ્રવિડે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 164 મેચમાં 13,288 રન, 36 સદી અને 63 અડધી સદી ફટકારી હતી. આ આંકડા દર્શાવે છે કે દ્રવિડ માત્ર ‘ધ વોલ’ જ નહોતા, પરંતુ ટેસ્ટ ક્રિકેટના સૌથી ભરોસાપાત્ર અને ધીરજવાન બેટ્સમેનોમાંના એક હતા.
